નેશનલ

દિલ્હી એરપોર્ટ પર એર અફઘાનિસ્તાનની ફ્લાઇટ ખોટા રન-વે પર ઉતરી, ATCએ ગણાવ્યો ‘ચમત્કારિક બચાવ’

નવી દિલ્હી: ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર મોટી હવાઈ દુર્ઘટના ટળી ગઈ. કાબૂલથી આવી રહેલી ફ્લાઇટ ભૂલથી રનવે પર લેન્ડ કરી હતી, જેનો ઉપયોગ માત્ર વિમાનોના ટેક-ઓફ માટે થાય છે. એર અફઘાનિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટ નંબર FG 311 ખોટા રનવે પર લેન્ડ થઈ હતી. એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના સૂત્રોએ આ સ્થિતિને અત્યંત જોખમી ગણાવી હતી, પરંતુ ચમત્કારિક રીતે આ સ્થિતિને સંભાળી લેવાતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ગંભીર સુરક્ષા ચૂક અંગે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

23 નવેમ્બરના બપોરે 12.06 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. કાબૂલથી આવી રહેલી એર અફઘાનિસ્તાન એરલાઇન્સની ફ્લાઇટ નંબર FG 311ને રનવે 29L પર ઉતરવાની મંજૂરી આપી હતી, જે લેન્ડિંગ માટેનો રન-વે છે. તેમ છતાં, પાઇલટે વિમાનને ભૂલથી રનવે 29R પર ઉતારી દીધું, જે ટેક-ઓફ માટે નિર્ધારિત છે. પાઇલટે કહ્યું હતું કે ILS (Instrument Landing System failure) સિસ્ટમની નિષ્ફળતા અને ઓછી વિઝિબિલિટીને કારણે આ ભૂલ થઈ હતી.

આ પણ વાંચો: પાલનપુર-ડીસા હાઈવે પર ભયાનક અકસ્માત: ડિવાઈડર સાથે કાર ટકરાઈને ફંગોળાઈ, ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ

ATC સૂત્રોએ આ ઘટનાને ‘ચમત્કારિક બચાવ’ ગણાવ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે કે જે સમયે આ વિમાન રનવે 29R પર ઉતર્યું, તે જ સમયે ત્યાં અન્ય એક વિમાન ઉડાન ભરવાની તૈયારીમાં હતું. જોકે, વિમાન રનવે પર ટેક-ઓફ માટે દોડી રહ્યું હોત અથવા રનવે પર હાજર હોત તો બંને વિમાનો વચ્ચે ભયાનક ટક્કર થઈ શકતી હતી, જેના કારણે જાનહાનિ થઈ હોત. સદનસીબે જ્યારે એર અફઘાનિસ્તાનની ફ્લાઇટ ઉતરી ત્યારે રનવે થોડા સમય માટે ખાલી હતો.

દિલ્હી એરપોર્ટ પરના નિયમો અનુસાર મુખ્યત્વે બે રનવે છે. રનવે 29L ઉતરવા માટે અને રનવે 29R ઉડાન ભરવા માટે. આ સ્પષ્ટ નિયમ હોવા છતાં એર અફઘાનિસ્તાનની ફ્લાઇટનું ખોટા રનવે પર ઉતરવું એ ગંભીર સુરક્ષા ચૂક ગણાય છે. આ ઘટના બાદ હવાઈ સુરક્ષા અધિકારીઓએ તરત જ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત, આ ગંભીર ભૂલને લઈને ભારત અફઘાનિસ્તાનના સંબંધિત અધિકારીઓ સમક્ષ પણ આ મામલો ઉઠાવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button