1 ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યા છે મોટા ફેરફારો, જાણો શું અસર પડશે

નવી દિલ્હીઃ નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને વર્ષ 2024નો છેલ્લો મહિનો ડિસેમ્બર તેની સાથે ઘણા મોટા ફેરફારો લઇને આવી રહ્યો છે. આ નાણાકીય ફેરફારોની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે. નવા મહિનાની પહેલી તારીખથી દેશમાં લાગુ કરવામાં આવી રહેલા આ મોટા ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં સુધારો અને દેશની સૌથી મોટી બેંક SBIના ક્રેડિટ કાર્ડ (એસબીઆઈ ક્રેડિટ કાર્ડ નિયમ) સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે.
1) દર મહિનાની જેમ આ મહિનાની પહેલી તારીખે એટલે કે 1 ડિસેમ્બર, 2024થી ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે. પહેલી નવેમ્બરે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે કિંમતોમાં ફેરફાર કરે છે અને આ વખતે પણ તે જ જોવા મળી શકે છે. લાંબા સમયથી સ્થિર રહેલા 14 કિલોના ઘરેલુ ગેસના ભાવમાં વધારો થઇ શકે છે.
2) એલપીજી સિલિન્ડરની કિંમતો સાથે એર ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં પણ તેલ વિતરણ કંપનીઓ મહિનાની પ્રથમ તારીખે સુધારો કરે છે. તેથી હવે 1લી ડિસેમ્બરે હવાઈ ઈંધણના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફારોની સીધી અસર હવાઈ મુસાફરો પર જોવા મળી શકે છે.
3) ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમમાં ફેરફાર થયા છે. જો તમે ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ સાથે સંબંધિત વ્યવહારો માટે ખાસ કરીને SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તેને માટે નવા નિયમો 1લી ડિસેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. SBI કાર્ડ્સની વેબસાઈટ મુજબ હવેથી તેઓ ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે નહીં.
TRAI દ્વારા કોમર્શિયલ મેસેજ અને OTP સંબંધિત ટ્રેસિબિલિટી નિયમો લાગુ થશે. અગાઉ ટેલિકોમ કંપનીઓએ તેને 31 ઓક્ટોબર સુધીમાં લાગુ કરવાનું હતું, પરંતુ ઘણી કંપનીઓની માંગ બાદ તે સમયમર્યાદા લંબાવીને 31 નવેમ્બર કરવામાં આવી હતી. હવે ટેલિકોમ કંપનીઓ ટ્રાઈના આ નિયમને 1 ડિસેમ્બરથી લાગુ કરશે. આ નિયમ બદલવાનો હેતુ ટેલિકોમ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા તમામ સંદેશાઓ શોધી ફિશિંગ અને સ્પામના મામલાઓને રોકવાનો છે. નવા નિયમોને કારણે ગ્રાહકોને OTP ડિલિવરીમાં વિલંબનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો…જમ્મુ-કાશ્મીર પોલીસની મોટી કાર્યવાહી, 7 આતંકવાદીઓની સંપત્તિ જપ્ત
4) જો તમારી પાસે ડિસેમ્બર મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ હોય તો જાણી લેજો કે વર્ષના ડિસેમ્બર મહિનાના અડધાથી વધુ દિવસો બેંકમાં રજા જાહેર કરવામાં આવે છે. જો આપણે આરબીઆઈની બેંક રજાઓની સૂચિ પર નજર કરીએ તો, આ બેંક રજાઓ વિવિધ રાજ્યોમાં વિવિધ તહેવારો અને કાર્યક્રમોના આધારે નક્કી કરવામાં આવી છે અને તેમાં બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓનો સમાવેશ થાય છે. તમે રિઝર્વ બેંકની સત્તાવાર વેબસાઇટ પર આ બેંક રજાઓની સૂચિ જોઈ શકો છો.