
નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ એનડીએ ગઠબંધનની શક્તિમાં વધારો કર્યો હતો, જ્યારે વિધિવત રીતે શપથગ્રહણ કાર્યક્રમ પૂરો થયા પછી હવે ખાતા ફાળવણી પણ કરવામાં આવી છે. પહેલી વખત નીતીશ કુમારને ગૃહ મંત્રાલય છોડવું પડ્યું છે, જ્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ફાળે ગૃહ ખાતું આપીને પરિવર્તન લાવ્યા છે.
નીતીશ કુમાર મુખ્ય પ્રધાન બનવા સાથે કેબિનેટના 24 મંત્રીએ શપથ લીધા હતા, પરંતુ હાલમાં 18 મંત્રીના ખાતા ફાળવણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના કેમ્પમાંથી સમ્રાટ ચૌધરી હવે નીતીશ કુમારની સરકારમાં કાયદો-વ્યવસ્થા અને ઈન્ટરનલ સિક્યોરિટી એટલે ગૃહ ખાતાની કમાન સંભાળશે.
20 વર્ષમાં પહેલી વખત બિહારમાં નીતીશ કુમારે પહેલી વખત ગૃહ વિભાગ પોતાની પાસે રાખ્યું નથી, જેને લઈ પરિણામ પછી પણ ભાજપ-જેડે-યુ વચ્ચે જોરદાર ખેંચતાણ ચાલી રહી હતી, પરંતુ આખરે નીતીશ કુમારે નમતું જોખવું પડ્યું છે.
શપથગ્રહણના એક દિવસ પછી બિહાર સરકારે આજે ખાતાની ફાળવણી કરી છે. નવી કેબિનેટમાં વરિષ્ઠ નેતા રામકૃપાલ યાદવને કૃષિ વિભાગ સોંપ્યું છે, જે સૌથી મોટું ખાતું માનવામાં આવે છે. નાયબ મુખ્ય પ્રધાન વિજય કુમાર સિંહાને જમીન અને મહેસૂલ વિભાગ સિવાય ખાણ અને ભૂસ્તરશાસ્ત્ર વિભાગ સોંપ્યું છે.
મંગળ પાંડેને હેલ્થ અને કાયદા વિભાગનો હવાલો મળ્યો છે. દિલીપ જયસ્વાલને ઉદ્યોગ, નીતિન નવીન નગર વિકાસ, સંજય ટાઈગર શ્રમ સંસાધાન વિભાગ, અરુણ શંકર પ્રસાદ પર્યટન, સુરેન્દ્ર મેહતા પશુ અને મત્સ્ય સંસાધન વિભાગ વગેરેનો સમાવેશ થાય છે.
ઉપરાંત, લક્ષ્મણ પાસવાનને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ વિભાગ, શ્રેયસી સિંહને આઈટી, રમતગમત અને પ્રમોદ ચંદ્રવંશીને સહકારિતા અને પર્યાવરણ વિભાગ સોંપવામાં આવ્યા છે.
આ પણ વાંચો…બિહાર વિજયનો બોનસ? આ કેન્દ્રીય પ્રધાનનું નામ BJPના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં સૌથી આગળ!



