
અમૃતસર: પંજાબના અમૃતસરના મજીઠા પોલીસ સ્ટેશનમાં બ્લાસ્ટના સમાચાર આવી રહ્યા છે. અમૃતસરના મજીઠા પોલીસ સ્ટેશનમાં બુધવારે રાત્રે લગભગ પોણા અગિયાર વાગ્યા આસપાસ અચાનક જોરદાર વિસ્ફોટ થયો છે. અચાનક થયેલા વિસ્ફોટથી ચારે તરફ ભારે અફરાતફરી મચી ગઈ છે.
ઘટના બાદ પોલીસે પોલીસ સ્ટેશનનો ગેટ બંધ કરી દીધો છે. વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકો ઘરની બહાર નીકળીને પોલીસ સ્ટેશનની આસપાસ એકઠા થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનની બહાર લોકોની ભીડ જોઈને પોલીસકર્મીઓએ બહાર ઉભેલા લોકોને દૂર કરવા પ્રયત્નો કર્યા હતા. આ સમયે કેટલાક લોકો આ ઘટનાનો વીડિયો બનાવી રહ્યા હતા, આથી પોલીસે મોબાઈલ છીનવી લીધા હતા.
ઘટનાની એસએસપીએ કરી પુષ્ટિ
ઘટનાની અમૃતસર ગ્રામીણ એસએસપી ચરણજીત સિંહે પુષ્ટિ કરી છે. ઘટના અંગે એસએસપી ચરણજીત સિંહ સોહલે જણાવ્યું કે પોલીસ સ્ટેશનની અંદર ટાયર ફાટવાને કારણે વિસ્ફોટ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગેંગસ્ટર હેપ્પી પછિયાના ઈશારે ગુરબક્ષ નગરની બંધ પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો.