જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો ઝટકો, 5 અરજીઓ અલાહાબાદ હાઇકોર્ટે ફગાવી
ઉત્તરપ્રદેશ: જ્ઞાનવાપી કેસમાં અલાહાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષને એક મોટો આંચકો આપ્યો છે. મુસ્લિમ પક્ષની 5 અરજીઓને ફગાવી દેવામાં આવી છે. ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે આ ચુકાદો સંભળાવ્યો છે, જેમાં વર્ષ 1991ના કેસની સુનાવણીને મંજૂરી આપી દેવામાં આવી છે.
વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ અને કાશી વિશ્વનાથ મંદિર વચ્ચેના માલિકી વિવાદ અંગે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને અંજુમન મસ્જિદ કમિટિ દ્વારા પાંચ અરજી કરવામાં આવી હતી. કોર્ટે આ તમામ અરજીઓને ફગાવી દઇ 1991ના કેસને મંજૂરી આપી હતી અને વારાણસી કોર્ટને 6 મહિનામાં કેસની સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
મુસ્લિમ પક્ષે દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991 હેઠળ આ મામલેમાં સુનાવણી કરવામાં આવી શકે નહીં, જો કે હાઈકોર્ટે આજે સ્પષ્ટ કર્યું છે કે આ મામલામાં આ નિયમ લાગુ પડતો નથી. અલાહાબાદ હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે આ મામલો પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ 1991 હેઠળ આવતો નથી. કેસની સુનાવણી નીચલી કોર્ટમાં જ થઇ શકે છે.
પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટને વર્ષ 1991માં તત્કાલિન વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવના કાર્યકાળમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ 15 ઓગસ્ટ 1947 પહેલાના કોઈપણ ધાર્મિક પૂજા સ્થળ જે જગ્યાએ બનેલું હોય તેને કોઈ બીજા ધર્મના પૂજા સ્થળમાં બદલી શકાય નહીં. આ એક્ટમાં કહેવામાં આવ્યુ છે કે જો કોઈ આવું કરે છે તો તેને જેલમાં મોકલી દેવાશે. કાયદા મુજબ ધાર્મિક સ્થળો આઝાદીના સમયમાં જેવા હતા તેવા જ રહેશે. સુપ્રીમ કોર્ટમાં આ એક્ટને પડકારતી ઘણી અરજીઓ કરવામાં આવી છે.