ઓડિશાથી બિહાર સુધીના પ્રવાસન ક્ષેત્ર માટે બજેટમાં મોટી જાહેરાતો

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે 2024-25ના બજેટમાં ધાર્મિક પ્રવાસનનો સમાવેશ કરીને મોટી જાહેરાતો કરી છે. સરકાર બિહારમાં અને ઓડિશામાં આધ્યાત્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માંગે છે. નાણા પ્રધાને જાહેરાત કરી હતી કે બિહારના વિશ્વ પ્રસિદ્ધ ધાર્મિક-પર્યટન કેન્દ્રો ગયાના વિષ્ણુપદ મંદિર અને બોધ ગયાના મહાબોધિ મંદિરને કાશી વિશ્વનાથની તર્જ પર કોરિડોરમાં વિકસાવવામાં આવશે.
આ સાથે સરકાર રાજગીર અને નાલંદાને વૈશ્વિક પર્યટનના કેન્દ્ર બિંદુ તરીકે વિકસાવવા પર વિશેષ ધ્યાન આપશે. નાણા પ્રધાને ઓડિશામાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાની પણ જાહેરાત કરી છે.
નિર્મલા સીતારમણે આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “પર્યટન હંમેશાથી આપણી સંસ્કૃતિનો એક ભાગ રહ્યું છે. ભારતને વૈશ્વિક ગંતવ્ય તરીકે સ્થાપિત કરવાના અમારા પ્રયાસો રોજગારીની તકો ઉભી કરશે અને અન્ય ક્ષેત્રોમાં પણ તકો ખોલશે.”
કેન્દ્રીય નાણા પ્રધાને કહ્યું હતું કે, “હું પ્રસ્તાવ કરું છું કે બિહારના રાજગીર અને નાલંદા માટે વ્યાપક વિકાસ પહેલ કરવામાં આવે. અમે કુદરતી સૌંદર્ય, મંદિરો, શિલ્પો, મનોહર લેન્ડસ્કેપ્સ, વન્યજીવ અભયારણ્યો અને નૈસર્ગિક દરિયાકિનારા ધરાવતા ઓડિશામાં પ્રવાસનને પ્રોત્સાહન આપવામાં આવે.”
આ પણ વાંચો: Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું બજેટમાં વિકસિત ભારતનો રોડમેપ
નાણા પ્રધાને કહ્યું હતું કે, “અમારી સરકાર ભારતને વૈશ્વિક પ્રવાસન સ્થળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બિહારના ગયામાં સ્થિત વિષ્ણુપદ મંદિર અને બોધગયાના મહાબોધિ મંદિરની એક અલગ ઓળખ છે. વિષ્ણુપદ કોરિડોર અને મહાબોધિ કોરિડોરને કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરની તર્જ પર વિકસાવવામાં આવશે. એટલું જ નહીં, રાજગીર હિન્દુ, જૈન અને બુદ્ધનું પ્રસિદ્ધ તીર્થસ્થાન છે.
આને પણ વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશનની તર્જ પર તૈયાર કરવામાં આવશે. જેમાં 20મા તીર્થંકર મુનીશ્વર જૈન મંદિરની આસપાસના વિસ્તારો, સપ્તઋષિઓ સાથે સંકળાયેલા સ્થળ અને પવિત્ર ગરમ પાણીના તળાવનો પણ વિકાસ કરવામાં આવશે. આ સાથે નાલંદાને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે. નાલંદા યુનિવર્સિટીને તેના ભવ્ય સ્વરૂપમાં પુનઃજીવિત કરવામાં આવશે.
વિષ્ણુપદ મંદિર અને મહાબોધિ મંદિરની વાત કરીએ તો બિહારના ગયામાં ભગવાન વિષ્ણુના પગના નિશાન પર જે મંદિર બન્યું છે તે વિષ્ણુપદ મંદિર તરીકે ઓળખાય છે. પિતૃપક્ષ દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભારે ભીડ હોય છે. એવું માનવામાં આવે છે કે ફાલ્ગુ નદીના પશ્ચિમ કિનારે સ્થિત આ મંદિરમાં, વ્યક્તિ ભગવાન વિષ્ણુના ચરણોને જોઈ શકે છે.
મહાબોધિ મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર જાહેર કરવામાં આવ્યું છે. આ મંદિર ગંગા નદીની ઉપનદી ફાલ્ગુ નદીના કિનારે પશ્ચિમ દિશામાં આવેલું છે. આ પ્રાચીન મંદિરનો સીધો સંબંધ ભગવાન બુદ્ધ સાથે છે. આ પ્રાચીન બૌદ્ધ મંદિરોમાંથી એક છે.