દિલ્હીમાં મુખ્ય પ્રધાને વડા પ્રધાન સાથે મુલાકાત કરી, નવા પ્રદેશ પ્રમુખ, પ્રધાન મંડળના વિસ્તરણની ચર્ચા શક્યતા

નવી દિલ્હીઃ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાંજે દિલ્હી પહોંચ્યા હતા અને પીએમ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ મીટિંગમાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળ વિસ્તરણ અંગે ચર્ચા થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ મુલાકાત બાદ ગુજરાતમાં ભાજપ નવા અધ્યક્ષની પસંદગી અને પ્રધાન મંડળના વિસ્તરણની ચર્ચા તેજ બની હતી.
આ પહેલા આ સંદર્ભે નવી દિલ્લીમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા, સંગઠન રાષ્ટ્રીય મહામંત્રી બીએલ સંતોષ અને કેન્દ્રીય પ્રધાન તથા ગુજરાત ભાજપના અધ્યક્ષની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે નિમાયેલા ભૂપેન્દ્ર યાદવ વચ્ચે બેઠક મળી હતી.
આપણ વાંચો: કર્તવ્યનિષ્ઠાનું સન્માન: CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત પોલીસના 118 જવાનોને ચંદ્રકથી નવાજ્યા
દિલ્લીમાં જે બેઠક મળી તેમાં પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા જલદી પૂરી કરવાનો નિર્ણય થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ગુજરાતમાં રવિવારે કે સોમવારે આ માટેની પ્રક્રિયા અંગે કોઈ મોટી અપડેટ સામે આવી શકે છે.
સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું કે, ભૂપેન્દ્ર યાદવ ગમે ત્યારે ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ પહેલા ભાજપના અધ્યક્ષ પદ માટે નામાંકનની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.
આપણ વાંચો: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 1.74 લાખ કરોડના 32 વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી
સૂત્રો મુજબ, હાઈ કમાન્ડ દ્વારા અધ્યક્ષનું નામ નક્કી કરી દેવામાં આવતું હોય છે, ચૂંટણીપ્રક્રિયા તો માત્ર ઔપચારિક હોય છે. જે વ્યક્તિનું નામ હાઈ કમાન્ડ નક્કી કરશે તેને જ નામાંકન ભરવાનો આદેશ ઉપરથી કરવામાં આવશે!
સૂત્રોનું કહેવું એવું પણ છે કે, આ ચૂંટણીપ્રક્રિયા બિનહરીફ રહેશે. આ સમગ્ર પ્રક્રિયા એટલે કે પાર્ટીના નવા અધ્યક્ષની ઔપચારિક ચૂંટણી પ્રક્રિયા એકાદ અઠવાડિયામાં પૂર્ણ કરી લેવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભાજપ સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાતમાંથી પોતાના નવા અધ્યક્ષની પસંદગી કરી શકે છે.
આપણ વાંચો: ગુજરાતમાં ST બસ સેવાઓનો વ્યાપ વધ્યો: CM ભૂપેન્દ્ર પટેલે 151 નવી સુપર એક્સપ્રેસ બસોનો પ્રારંભ કરાવ્યો
આ વખતે ભારતીય જનતા પાર્ટી ઓબીસીમાંથી કોઈ વ્યક્તિને પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવી શકે છે. છેલ્લા ઘણાં વર્ષોથી ઓબીસીના કોઈ નેતાને આટલી મોટી જવાબદારી આપવામાં આવી નથી.
મહત્વની વાત એ પણ છે કે, આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં જીતવા માટે ઓબીસીના મત ખૂબ જ નિર્ણયાક રહેવાના હોવાથી આ એક કારણ પણ હોઈ શકે છે. જો કે, આ માત્ર સંભાવનાઓ છે. પાર્ટી કોને પ્રદેશ પ્રમુખ બનાવે છે કે આગામી થોડા જ દિવસોમાં જાણવા મળી શકે છે. નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી બાદ મુખ્ય પ્રધાન તેમના પ્રધાનમંડળનું પણ વિસ્તરણ કરી શકે છે.