નેશનલ

હરિયાણામાં રાહુલ ગાંધીના મનની ન થઈ, હુડ્ડાનું ધાર્યું થયું…

હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીને લીધે રાજકીય માહોલ ગરમાતો જાય છે. હરિયાણામાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે રસાકસીનો માહોલ છે. ગઈ લોકસભાની ચૂંટણીમા ભાજપે નુકસાન વહોરવું પડ્યું હતું. આથી કૉંગ્રેસ ફોર્મમાં છે.

આ બધા વચ્ચે એક વાત ઊડીને આંખે વળગી છે. દેશમાં ઈન્ડિયા બ્લોકના સાથી પક્ષ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે છે ત્યારે વિરોધપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની ઈચ્છા હતી કે હરિયાણામાં પણ આપ અને કૉંગ્રેસ સાથે ચૂંટણી લડે. આ માટે બન્ને પક્ષોએ વાટાઘાટો પણ કરી, પરંતુ બેઠક વહેંચણી મામલે સહમતી સધાઈ નથી. રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીની ઈચ્છા હોવા છતા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર હુડ્ડાની ઈચ્છા ન હોવાથી ગાંધીએ શાંત બેસવું પડ્યું હતું.

આ પણ વાંચો : “રાહુલ ગાંધી તમારા હાલ પણ તમારી દાદી જેવા થશે”, ભાજપના આ નેતાએ ખુલ્લેઆમ આપી ધમકી

બેઠક વહેંચણીમાં પણ હુડ્ડાનો હાથ ઉપર હોવાનું કહેવાય છે. લગભગ બધા જ વર્તમાન વિધાનસભ્યોને ટિકિટ મળી છે.

સુરજેવાલા અને શૈલજાના કેમ્પને ટિકિટ આપી

કોંગ્રેસે કૈથલથી પાર્ટીના મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલાને ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ તાજેતરમાં ભાજપમાંથી કોંગ્રેસમાં પરત ફરેલા ચૌધરી બિરેન્દ્ર સિંહના પુત્ર બિજેન્દ્ર સિંહને ટિકિટ આપી છે. લોકસભા સાંસદ જયપ્રકાશના પુત્ર વિકાસ સહારનને કલાયતથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કુમારી શૈલજા તેમના ભત્રીજાને ઉકલાના બેઠક પરથી ટિકિટ અપાવવા માગતી હતી પરંતુ પાર્ટીએ આ બેઠક પરથી નરેશ સેલવાલને ટિકિટ આપી હતી.


કુમારી શૈલજાના કેમ્પમાંથી 7 ઉમેદવારોને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ મળી છે, જેમાં 4 વર્તમાન ધારાસભ્યો છે અને 3 નવા ચહેરા છે. તે જ સમયે, સુરજેવાલાના કેમ્પમાંથી બે ટિકિટ આપવામાં આવી હતી, એક સીટ તેમના પુત્ર આદિત્ય સુરજેવાલાને અને બીજી નરવાનાથી સતબીર ડબલેનને મળી છે.
અહીંની 90 બેઠકમાંથી કૉંગ્રેસ 89 અને સીપીએમ એક બેઠક પર ચૂંટણી લડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button