ભુવનેશ્વરમાં ધમાલઃ કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોલીસ પર ફેંકી ખુરશીઓ, વીડિયો વાઈરલ

ભુવનેશ્વરઃ ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં આજે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસની વચ્ચે અથડામણ થઈ હતી. છેલ્લા બે દિવસથી વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શનને લઈ રાજકીય પારો ઊંચકાયો છે.
મહિલાઓ વિરુદ્ધના અત્યાચારો તપાસ સમિતિ બનાવવા અને કૉંગ્રેસના 14 ધારાસભ્યને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઓડિશા વિધાનસભા બહાર દેખાવ કરી રહેલા કૉંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
આપણ વાંચો: જામા મસ્જિદમાં નમાજ દરમિયાન અથડામણ, શિયા અને સુન્ની મુસ્લિમો આવ્યાં સામસામે
વીડિયો મુજબ, કૉંગ્રેસ કાર્યકર્તાઓ એક બાદ એક રોડ પર પડેલી ખુરશીઓ ઉઠાવીને પોલીસકર્મી પર ફેંકી રહ્યા છે. કાર્યકર્તાઓની આક્રમકતા જોઈને પોલીસ પીછેહઠ કરે છે. જે બાદ પોલીસ લાઠીચાર્જ કરે છે.
આ ઉપરાંત વોટર કેનનનો પણ ઉપયોગ કરે છે. જેમાં કેટલાક કૉંગ્રેસ કાર્યકર્તા ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ યૂઝરે પ્રતિક્રિયાઓ આપી હતી.
ગૃહની કાર્યવાહીમાં અવરોધ ઊભો કર્યાનો આરોપ
ઓડિશા વિધાનસભામાં મંગળવારે હંગામો થયો હતો. કૉંગ્રેસના ધારાસભ્યો ભાજપ સરકારના 8 મહિના દરમિયાન મહિલાઓ સામે ગુનાઓની તપાસ માટે એક કમિટી બનાવવાની માંગ કરતા હતા.
વાત સાંભળવામાં ન આવતાં કૉંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં રામ ધૂન બોલાવવાનું શરૂ કર્યુ હતું. ઉપરાંત સીટી, વાંસળી અને ઝાંઝ વગાડીને ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ કર્યો હતો. જેના કારણે 12 ધારાસભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
મહિલા સુરક્ષાને લઈ વિધાનસભામાં થયો હતો હંગામો
ઓડિશા કૉંગ્રેસના પ્રભારી અજય કુમાર લલ્લુએ વિધાનસભા બહાર કહ્યું હતું કે, દેસમાં મહિલા સુરક્ષાની વાત કરવી હવે ગુનો બની ગયો છે. ઓડિશામાં 64000થી વધુ મહિલાઓ લાપતા છે. દરરોજ ગેંગરેપ થાય છે. જો ચૂંટાયેલા ધારાસભ્યો આ મુદ્દા પર જવાબ માંગે તો સરકારને કઈ વાતનો ડર છે. ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા લોકતંત્રનું અપમાન છે. અમે ચૂપ નહીં બેસીએ.