ભોપાલ ગેસ કરૂણાંતિકા પ્રકરણનો આવ્યો અંત, 40 વર્ષ પછી 337 ટન ઝેરી યુનિયન કાર્બાઇડ કચરો થયો સ્વાહા

ભોપાલ: 1984માં ભોપાલમાં યુનિયન કાર્બાઈડની ફેક્ટરીમાંથી લગભગ 40 ટન મિથાઈલ આયસોસાયનેટ ગૅસ લીક થયો હતો. આ ઘટનામાં હજારો લોકોનો ભોગ લેવાયો હતો. જ્યારે આ ઘટનાને 40 વર્ષ સુધી ફેક્ટરીના કચરાનો નાશ કરવામાં આવ્યો ન હતો. આખરે હવે 337 ટન ઝેરી કચરાનો નાશ કરવામાં આવ્યો છે. આ કચરાના નિકાલ માટે વર્ષોના વિવાદો બાદ પીથમપુરમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ. આ ઘટના ઇતિહાસના એક દુઃખદ પ્રકરણનો અંત દર્શાવે છે, જેની સાથે પર્યાવરણ અને આરોગ્યની ચિંતાઓ પણ જોડાયેલી છે.
મધ્યપ્રદેશના ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારમાં 337 ટન ઝેરી કચરો 29-30 જૂનની મધ્યરાત્રિએ 1 વાગ્યા સુધી સળગાવીને નાશ કરવામાં આવ્યો છે. આ કચરો ભોપાલથી કન્ટેનરમાં લાવવામાં આવ્યો હતો. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જણાવ્યું કે, 5 મે થી શરૂ થયેલી આ પ્રક્રિયા 55 દિવસમાં પૂર્ણ થઈ, જેમાં 30 ટન કચરો પહેલાંના ત્રણ ટ્રાયલમાં સળગાવવામાં આવ્યો હતો.
વિવાદ અને પ્રક્રિયા
આ ઝેરી કચરાના નાશને લઈ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. કેમકે તેમને પાર્યાવરણ સહિત આરોગ્ય પર આ નાશની અસર થવાનો ડર હતો. આ વિવાદને લઈ લાંબા સમય સુધી કેસ ચાલ્યા બાદ હાઈકોર્ટે 27 માર્ચેના આદેશ બાદ આ કચરાનો નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય અને રાજ્ય પ્રદૂષણ બોર્ડના નિષ્ણાતોની દેખરેખમાં કચરો 270 કિલોગ્રામ પ્રતિ કલાકના દરે સળગાવામાં આવ્યો. બચેલી રાખને સુરક્ષિત રીતે બોરીઓમાં પેક કરી લીક-પ્રૂફ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.
આગળની પ્રક્રિયા
રાજ્ય પ્રદૂષણ બોર્ડે જણાવ્યું કે, યૂનિયન કાર્બાઈડના પરિસરની માટીમાંથી મળેલો 19 ટન વધારાનો કચરો 3 જુલાઈ સુધી નાશ કરવામાં આવશે. રાખ અને અવશેષોને વૈજ્ઞાનિક રીતે લેન્ડફિલ સેલમાં દફનાવવાની પ્રક્રિયા નવેમ્બર સુધીમાં પૂર્ણ થશે. 1984ની આ દુર્ઘટનાએ 5,479થી વધુ લોકોના જીવ લીધા હતા, અને આજે પણ તેની અસરો ચર્ચામાં છે.