આશ્રમમાં ઝુલા પર બેસીને ઉપદેશ આપતો ભોલે બાબા, પેપર લીક કાંડમાં પણ સંડોવણી
ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી નાસભાગ(Hathras Stampede)ની ઘટનામાં 121 લોકોના જીવ ચાલ્યા ગયા. અકસ્માત બાદ નારાયણ સાકાર હરિ ઉર્ફે ભોલે બાબા(Bhole Baba) ફરાર છે, પરંતુ બાબા વિષે અનેક ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. આ દરમિયાન ભોલે બાબાની એક તસવીર સામે આવી છે, જેમાં તેઓ ઝુલા પર બેઠેલા જોવા મળી રહ્યા છે. અહેવાલ મુજબ ભોલે બાબા આશ્રમમાં ઝુલા પર બેસીને ઉપદેશ આપતા હતા. બાબાનું અસલી નામ સૂરજ પાલ સિંહ છે, બાબા પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલ રહી ચૂક્યા છે. તેમણે 1990ની આસપાસ પોલીસની નોકરી છોડી દીધી હતી.
પોતાને નારાયણનો અવતાર ગણાવતા ભોલે બાબાનું રાજસ્થાન સાથે કનેક્શન સામે આવ્યું છે. ભોલે બાબા દૌસામાં પેપર લીક માફિયા હર્ષવર્ધનના ઘરે દર 4 મહિને દરબાર ભરતા હતા. 4 મહિના પહેલા ફેબ્રુઆરી 2024 માં, જ્યારે SOG એ JEAN ભરતી પરીક્ષા-2020 ના પેપર લીકના આરોપી હર્ષવર્ધન પટવારીને પકડ્યો, ત્યારે નારાયણ હરિના દરબારની કોર્ટ ચર્ચામાં થઇ હતી. નારાયણ હરિએ જ્યાં પોતાનો અસ્થાયી પડાવ બનાવ્યો હતો તે ઘર હર્ષવર્ધનનું હતું.
દરબારની આડમાં હર્ષવર્ધન પેપર લીકનું રેકેટ ચલાવતો હતો. હર્ષવર્ધનનું ઘર જયપુર-આગ્રા હાઈવેથી માત્ર 800 મીટર દૂર છે. બાબાએ આ ઘર ભાડે લીધું હતું અને તેને આશ્રમ બનાવવામાં આવ્યું હતું. જ્યારે અહીં દરબાર થાય ત્યારે એક બોર્ડ લગાવવામાં આવે છે જેના પર લખવામાં આવે છે કે સમગ્ર બ્રહ્માંડમાં નારાયણ સાકર હરિની સદાય સ્તુતિ થવી જોઈએ.
બાબા સૂરજ પાલ ઉર્ફે નારાયણ હરીનો હજુ સુધી કોઈ પતો મળ્યો નથી. આ ઉપરાંત હાથરસ અકસ્માતનો મુખ્ય આરોપી અને બાબાનો નોકર દેવપ્રકાશ મધુકર પણ ફરાર છે. યુપી પોલીસની પાંચ ટીમ આરોપીને શોધી રહી છે. બાબાની શોધમાં યુપી પોલીસ અને એસઓજીની ટીમ અડધી રાત્રે મૈનપુરી આશ્રમ પહોંચી હતી. આશ્રમમાં લગભગ 50 મિનિટ સુધી તપાસ ચાલી હતી. પોલીસને ન તો બાબા મળ્યા અને ન તો જેનું FIRમાં નામ છે એવા આશ્રમના કાર્યકર્તા.