મધ્ય પ્રદેશના ભિંડની RSS ઓફિસ પરિસરમાં બોમ્બ મળતા ખળભળાટ, જાણો શું છે મામલો
ભીંડ: મધ્ય પ્રદેશના ભીંડના રહેણાંક વિસ્તાર હનુમાન બાજરિયામાં સ્થિત રાષ્ટ્રીય સ્વયં સંઘ (RSS)ની ઓફિસના પરિસરમાંથી શનિવારે રાત્રે પિન બોમ્બ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બોમ્બ ગ્રેનેડ બોમ્બ જેવો દેખાય છે. રાત્રે લગભગ 12 વાગે ઓફિસની સંભાળ રાખતા સ્વયંસેવક રામ મોહનની સૂચના પર એસપી અસિત યાદવ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને બોમ્બ અંગે તપાસ શરૂ કરી. અધિકારીઓએ બોમ્બને પોતાના કબજા લઇ તપસા માટે મોકલી આપ્યો છે.
અહેવાલ મુજબ આ બોમ્બ શુક્રવારે સાંજે ઓફિસ પરિસરમાં ધ્વજ ફરકાવવાની જગ્યાએથી મળ્યો હતો. સ્વયંસેવક રામ મોહનને જોયું કે બાળકો દડા જેવી વસ્તુ સાથે રમી રહ્યા હતા, તેમણે શંકાસ્પદ વસ્તુને ઉપાડીને દૂર મૂકી દીધી હતી. શનિવારે રાત્રે તેમણે જાણીતા એક વ્યક્તિને શંકાસ્પદ વસ્તુ અંગે વાત કરી ત્યારે, તે બોમ્બ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. માહિતી મળતાં જ બીજેપી વિધાન નરેન્દ્ર સિંહ કુશાહ, એસપી અસિત યાદવ, ટીઆઈ કોતવાલી પ્રવીણ ચૌહાણ ડોગ સ્કવોડ સાથે આરએસએસ ઓફિસ પહોંચ્યા. પોલીસે બોમ્બ કબજે કર્યો અને પોતાની સાથે લઈ ગયા હતા.
પ્રાથમિક તપાસ બાદ પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ ઘણો જૂનો છે. એસપીએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા આરએસએસ ઓફિસના મેદાનમાં માટી ભરવામાં આવી હતી. આ માટી નજીક કુંવરી નદીના કોતરોમાંથી લાવવામાં આવી હતી.
જાણકરી મુજબ લગભગ 30 વર્ષ પહેલા અહીં ફાયરિંગ રેન્જ વિસ્તાર હતો. આ બોમ્બ તે સમયે માટીમાં દાતાઈ ગયો હોઈ શકે છે અને હવે તે માટીની સાથે આ RSS ઓફિસના પરિસરમાં આવી હશે. જો કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.