‘હવે ફરી તક મળશે એટલે’, ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદને મળી મોતની ધમકી
ઉત્તર પ્રદેશના અગ્રણી દલિત નેતા અને ભીમ આર્મીના પ્રમુખ તથા આઝાદ સમાજ પાર્ટીના સ્થાપક ચંદ્રશેખર આઝાદને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશની નગીના સીટ પરથી લોકસભા ચૂંટણી લડી રહેલા ચંદ્રશેખર આઝાદને કોઈ ધમકી આપતો હોય તેનો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ભીમ આર્મી પ્રમુખને ધમકી આપતાં તેણે કહ્યું કે ભીમ આર્મીના ચંદ્રશેખરને મારી માસીના દીકરાએ ગોળી મારી હતી, હવે ફરી તક મળશે એટલે બીજી વખત ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દેશું.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ‘મહિલા નિયંત્રિત મતદાન કેન્દ્રો’ બનાવાશે
અતુલ સિંહ નામના વ્યક્તિએ સહારનપુરના કુતુબશેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા કહ્યું છે કે એક વ્યક્તિએ તેના ફોન પર જાતિસુચક અપશબ્દોનો ઉપયોગ કર્યો અને કહ્યું કે તે ત્યાં આવીને તને મારી નાખીશ. આ સાથે જ ફોન કરનારે કહ્યું કે તમારા ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખરને અગાઉ પણ મારી માસીના પુત્રએ ગોળી મારી હતી અને હવે તક મળતાં જ તેઓ ફરીથી ગોળી મારી દેશે. આ મામલે એસએસપી સહારનપુરને ફરિયાદ કરવામાં આવી હતી અને બાદમાં કુતુબશેર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો, પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી છે.
આ ધમકી અંગે ચંદ્રશેખર આઝાદે કહ્યું કે કાયદો અને વ્યવસ્થામાં નંબર વન હોવાની ગુલબાંગો મારતી સરકારમાં ધમકી આપનારી ટોળકી સક્રિય છે. ભીમ આર્મી ચીફે કહ્યું કે મૃત્યુ એક દિવસ આવશે, હું ધમકીઓથી ડરતો નથી. જનતાના આશીર્વાદ મારી સાથે છે, હું ચૂંટણી પણ જીતીશ. તેમણે કહ્યું કે અહંકારીઓને જનતા જવાબ આપશે, ગરીબ અને દલિતના પુત્રની જીત જોઈને લોકો ડરી ગયા છે. હું મોતથી ડરતો નથી, ગરીબો અને પીડિત લોકો માટે પોતાનો જીવ આપવા તૈયાર છું.
આ પણ વાંચો: જયપુરમાં સોનિયા ગાંધીના PM પર આકરા પ્રહાર, ‘ખુદને મહાન બનાવીને લોકશાહીનું વસ્ત્રાહરણ કર્યું’
ઉલ્લેખનિય છે કે ચંદ્રશેખર આઝાદ પર ગયા વર્ષે 2023માં યુપીના સહારનપુર જિલ્લાના દેવબંદમાં પણ જીવલેણ હુમલો થયો હતો પણ તે બચી ગયા હતા, કેટલાક સશસ્ત્ર લોકોએ ભીમ આર્મી ચીફ પર ગોળીબાર કર્યો જેમાં તેઓ ઘાયલ થયા અને ગોળી તેમને સ્પર્શીને નિકળી ગઈ હતી. તેમના જીવને જોખમ હોવાથી સરકારે તેમને Z પ્લસ સુરક્ષા આપી છે.