સહકારમાં મોંઘવારી? 30% સસ્તાના દાવા વચ્ચે ભારત ટેક્સીનું ભાડું રેપિડો કરતા વધ્યું!

નવી દિલ્હી: ભારતમાં પરિવહન સેવાઓ અત્યાર સુધી માત્ર ખાનગી એગ્રીગેટર્સના હાથમાં હતી, પરંતુ હવે તેમાં સહકારિતાનો પવન ફૂંકાયો છે. જે રીતે દૂધ ક્ષેત્રે ગુજરાતના ‘અમૂલ’ મોડલે વિશ્વમાં ડંકો વગાડ્યો છે, બરાબર એ જ તર્જ પર ટેક્સી સેવામાં ક્રાંતિ લાવવા માટે ‘ભારત ટેક્સી એપ’ તૈયાર છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે વિજ્ઞાન ભવનથી આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પગલું માત્ર મુસાફરો માટે સસ્તી મુસાફરી જ નહીં, પણ લાખો ડ્રાઈવરો માટે આર્થિક આઝાદીનો નવો દરવાજો ખુલશે. શરૂઆત દિલ્હી-NCR થી થયા બાદ ટૂંક સમયમાં મુંબઈ અને ગુજરાતના મુખ્ય શહેરોમાં પણ આ સેવા વિસ્તરશે.
કિંમતોમાં રસાકસી: દાવા અને વાસ્તવિકતા વચ્ચે જનતાની કસોટી
ભારત ટેક્સી એપના લોન્ચિંગ સાથે જ બજારમાં ભાવને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ, 11 કિલોમીટરના અંતર માટે રેપિડોમાં 143 રૂપિયા બતાવી રહ્યા છે.

જ્યારે ભારત ટેક્સીમાં એટલા અંતરના 154 રૂપિયા જોવા મળી રહ્યા છે. જે દેખાડે છે કે ખાનગી અને સહકારીતા બંને એપના ભાવ લગભગ સમાન છે.

સરકારનો દાવો છે કે ભારત ટેક્સીની કિંમતો અન્ય ખાનગી કંપનીઓ કરતા અંદાજે 30 ટકા ઓછી રહેશે, પરંતુ શરૂઆતના આંકડામાં આ તફાવત બહુ સ્પષ્ટ દેખાયો નથી. આવી સ્થિતિમાં, ખાનગી કંપનીઓની સ્પર્ધા વચ્ચે જનતાને આ સહકારી સેવા આર્થિક રીતે કેટલી પરવડશે અને કેવી રીતે ઉપયોગી સાબિત થશે, તે તો આગામી સમય જ કહેશે. જોકે, કિંમતોના આ સરખામણીની સત્તાવાર પુષ્ટિ અમારા દ્વારા કરવામાં આવી નથી.
કિંમતોની રસાકસી વચ્ચે આ ટેક્સી એપના આવવાથી વાહન ચાલને મોટો ફાયદો થવાની આશા છે. સામાન્ય રીતે ટેક્સી એપમાં ડ્રાઈવરોએ પોતાની મહેનતની કમાણીમાંથી 20 થી 30 ટકા જેટલું મોટું કમિશન કંપનીને આપવું પડતું હોય છે. પરંતુ ‘ભારત ટેક્સી’ આ પરંપરા તોડશે. આ એક ‘ડ્રાઈવર-ઓનરશિપ’ મોડલ છે, જેમાં કોઈ કમિશન કાપવામાં આવશે નહીં.
દરેક ડ્રાઈવરને આ સહકારી સંસ્થામાં 5 શેર આપીને હિસ્સેદાર બનાવવામાં આવશે. ડ્રાઈવરોએ માત્ર એક નાનકડી સભ્યપદ ફી ચૂકવવાની રહેશે. નોંધનીય છે કે 6 જૂન 2025 ના રોજ તેની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ડ્રાઈવરો આ અભિયાનમાં જોડાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે ગ્રાઉન્ડ લેવલ પર આ મોડલની કેટલી જરૂર હતી.
સરકારના દાવા પ્રમાણે ખાનગી કંપનીઓ ‘સર્જ પ્રાઈસિંગ’ના નામે ભાડું બમણું કે ત્રણ ગણું વસૂલે છે. ભારત ટેક્સી એપની સૌથી મોટી રાહત એ છે કે અહીં કોઈ સર્જ પ્રાઈસિંગ નહીં હોય. ભાડું પારદર્શક હશે અને બજારના ભાવ કરતા આશરે 30% જેટલું સસ્તું હશે. ગ્રાહકો પોતાની સુવિધા મુજબ બાઇક, ઓટો કે કાર પસંદ કરી શકશે. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં મધ્યમ વર્ગ હંમેશા કરકસર અને શ્રેષ્ઠ સેવાનો આગ્રહી હોય છે, ત્યાં આ એપ લોન્ચ થતા જ મોટી સફળતા મેળવી શકે છે.
ભારત ટેક્સી માત્ર રાઈડ બુકિંગ એપ નથી, પણ ડ્રાઈવરો માટે સુરક્ષા કવચ પણ છે. આ પ્લેટફોર્મ સાથે જોડાયેલા દરેક ડ્રાઈવરને 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને પરિવાર માટે 5 લાખનો સ્વાસ્થ્ય વીમો મળશે. સૌથી વિશેષ વાત એ છે કે મલ્ટી-સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ હેઠળ આ ડ્રાઈવરોને પોતાની ગાડી ખરીદવા માટે સસ્તી અને સરળ હપ્તે લોન પણ આપવામાં આવશે. ગુજરાતના સહકારી મોડલની સફળતા આપણે ખેતી અને ડેરીમાં જોઈ છે, હવે એ જ સફળતા પરિવહન ક્ષેત્રે ડ્રાઈવરોને ‘આત્મનિર્ભર’ બનાવશે.
ગુજરાતમાં સહકારિતાનો પ્રભાવ અને ભારત ટેક્સીની સંભાવના
ગુજરાત એ સહકારિતાની ભૂમિ છે. જે રીતે સુરત અને અમદાવાદમાં રિક્ષા ચાલકોના યુનિયનો મજબૂત છે, તેને જોતા ભારત ટેક્સી માટે ગુજરાત સૌથી ફળદ્રુપ બજાર સાબિત થઈ શકે છે. જો ગુજરાતના મુખ્ય શહેરોમાં આ મોડલ અમલી બને, તો લોકલ ટ્રાન્સપોર્ટના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. ખાનગી કંપનીઓના મોનોપોલીને તોડવા માટે આ ‘દેશી એપ’ એક સચોટ શસ્ત્ર સાબિત થશે, જેમાં નફા કરતા સેવાનું અને શોષણ કરતા સન્માનનું મહત્વ વધુ છે.
આ પણ વાંચો…ઓલા-ઉબેરને સીધી ટક્કર આપવા આવી રહી છે ‘ભારત ટેક્સી’: 10 દિવસમાં 51,000થી વધુ ડ્રાઇવરનું રજિસ્ટ્રેશન



