Bharat Jodo Nyay Yatra: ઝારખંડમાં ન્યાય યાત્રાનો કાર્યક્રમ રદ્દ, કોંગ્રેસ પ્રવક્તાએ આપ્યું આ કારણ

રાંચી: કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા(Bharat Jodo Nyay Yatra) હાલ ઝારખંડ(Jharkhand)માં છે. રાજ્યમાં યાત્રાનો બીજો તબક્કો આજે બુધવારે શરૂ થવાનો હતો, પરંતુ તે રદ કરવામાં આવ્યો છે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે રાહુલ ગાંધી (Rahul Gandhi) સહીત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ખેડૂતોના આંદોલનમાં સામેલ થવા માટે દિલ્હી ગયા છે, જેના કારણે ઝારખંડનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. પંજાબના ખેડૂતો દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ગઢવા જિલ્લાના રાંકામાં મનરેગા કામદારો સાથે વાતચીત હવે કોંગ્રેસના જયરામ રમેશ અને અન્ય પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવશે. બુધવારે રાહુલ ગાંધી છત્તીસગઢના ગઢવા જિલ્લામાંથી ઝારખંડમાં પ્રવેશવાના હતા.
કોંગ્રેસ પ્રવક્તા સોનલ શાંતિએ કહ્યું, ‘મંગળવારે મોડી રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારબાદ ઝારખંડમાં ભારત જોડો ન્યાય યાત્રાનો કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના પરત ફર્યા બાદ આ યાત્રા પછીથી ફરી શરૂ કરવામાં આવશે.’
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશ, ઝારખંડ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજેશ ઠાકુર, ઝારખંડના પ્રભારી ગુલામ અહેમદ મીર, NSUI પ્રભારી કન્હિયા કુમાર અને અન્ય વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ બુધવારે રાંકામાં મનરેગા કામદારોને મળશે. ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ રાજેશ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધીને એક ખાસ હેતુ માટે દિલ્હી જવું પડ્યું.
ઝારખંડમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રથમ તબક્કો 2 ફેબ્રુઆરીએ શરૂ થયો હતો. આ પછી 6 ફેબ્રુઆરીએ રાહુલ ગાંધી ઓડિશામાં પ્રવેશ્યા હતા. 15 ફેબ્રુઆરીએ બિહાર જતા પહેલા રાહુલ ઝારખંડમાં બે દિવસ માટે ફરી એક કાર્યક્રમ કરવાના હતા.
ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થઈ હતી અને 20 માર્ચે મુંબઈમાં પૂરી થશે.