ભારત બંધ: બેંક, પોસ્ટલ, વીજળી સેવાઓ પર અસર, મુંબઈમાં વ્યાપક વિરોધ…

નવી દિલ્હી/મુંબઈ: કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો દ્વારા ગઇ કાલે આપવામાં આવેલી રાષ્ટ્રવ્યાપી હડતાળ અથવા ભારત બંધમાં વ્યાપક ભાગીદારી જોવા મળી હતી, કારણ કે બેંકિંગ, પોસ્ટલ, ઇલેક્ટ્રિકસિટી અને અન્ય જાહેર ક્ષેત્રોના કામદારોએ સરકારની ‘કોર્પોરેટ-તરફી’ અને ‘કામદાર વિરોધી’ નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યા હતા.
શ્રમ કાયદામાં સુધારા, જાહેર સંપત્તિના ખાનગીકરણ અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વધતી જતી આર્થિક કટોકટીના વિરોધમાં દેશભરના ૨૫ કરોડથી વધુ કામદારો એક દિવસની હડતાળમાં જોડાશે તેવી અપેક્ષા હતી.
આ બંધનું આયોજન ૧૦ કેન્દ્રીય ટ્રેડ યુનિયનો અને તેમની સંલગ્ન સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું, અને તેના કારણે મુંબઈમાં ઘણી મુખ્ય સેવાઓમાં વિક્ષેપો જોવા મળ્યા હતા. શહેરના ફોર્ટ વિસ્તારમાં, જનરલ પોસ્ટ ઓફિસ અને પંજાબ નેશનલ બેંકના કર્મચારીઓ હડતાળમાં સક્રિયપણે ભાગ લેતા જોવા મળ્યા હતા. કામદારોની ગેરહાજરીને કારણે ટપાલ વિતરણ અને ગ્રાહક કાઉન્ટર સેવાઓ સહિત ટપાલ કામગીરી પ્રભાવિત થઈ હતી.
આ ઉપરાંત અનેક બેંક કર્મચારી યુનિયનોએ બંધને ટેકો આપ્યો, જેના પરિણામે રોકડ વ્યવહારો, ચેક ક્લિયરન્સ અને શાખા-સ્તરની સહાય જેવી સેવાઓમાં વિલંબ થયો હતો. વીમા ક્ષેત્રના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું.
મુંબઈમાં વીજળી પુરવઠો મોટાભાગે અકબંધ રહ્યો, પરંતુ સેવા અને ટેકનિકલ સપોર્ટમાં થોડો વિલંબ થયો હોવાના અહેવાલ છે. આ વિક્ષેપો છતાં, મુંબઈની લાઈફલાઈન, લોકલ ટ્રેનો અને બેસ્ટ બસ સેવાઓ સામાન્ય રીતે કાર્યરત રહી. મહારાષ્ટ્ર સરકારે રજા જાહેર નહીં કરી હોવાથી, મુંબઈમાં શાળાઓ અને કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ ખુલ્લી રહી હતી, પરંતુ હાજરી ઓછી જોવા મળી હતી.
આપણ વાંચો :બિહારમાં મહાગઠબંધનનો ચક્કાજામ! ચૂંટણી પંચ અને ભારત સરકારના વિરુદ્ધમાં નારેબાજી…