
મુંબઈ/નવી દિલ્હીઃ દેશના એક ડઝનથી વધુ કેન્દ્રીય ટ્રેડ યુનિયન, ખેડૂત અને ગ્રામીણ મજૂર સંગઠનોએ સાથે મળીને આવતીકાલે દેશવ્યાપી બંધની જાહેરાત કરી છે. ભારત બંધનો ઉદ્દેશ કેન્દ્ર સરકારની કોર્પોરેટ સમર્થક અને મજૂર વિરોધી નીતિઓનો વિરોધ કરવાનો છે. આવતીકાલના બંધ મુદ્દે પબ્લિક ટ્રાન્સપોર્ટ, ફાઈનાન્શિયલ એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સેક્ટરના સામેલ થવાને કારણે જનજીવન પર અસર પડી શકે છે, પરંતુ આવતીકાલે સ્કૂલ, કોલેજ અને ઓફિસ ખુલ્લી રહેશે કે બંધ એની સૌને વિમાસણ છે.
સ્કૂલ-કોલેજો અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સંગઠનો દ્વારા વિરોધ કરીને બંધ કરે તો નવાઈ નહીં. સ્થાનિક સ્તરે વિરોધ પ્રદર્શન કરીને અથવા સંગઠનો રસ્તા પર આવીને પ્રદર્શન કરે તો પરિવહન પર અસર થઈ શકે છે. શૈક્ષણિક સંસ્થાઓ કે કમર્શિયલ સંસ્થાઓ માટે પણ સત્તાવાળાઓએ કોઈ બંધની જાહેરાત કરી નથી, પરંતુ સૌને એક સવાલ છે કે આવતીકાલે શું બંધ રહેશે અને શું બંધ નહીં રહે. મુંબઈમાં જાહેર પરિવહન ક્ષેત્રે લોકલ ટ્રેન, મેટ્રો સહિત બેસ્ટ પ્રશાસન તરફથી બંધ રહેવા અંગે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી.
બૅંકોના કામકાજને અસર પહોંચશે
ભારત બંધને ઘણી બૅંકોના કર્મચારીઓ દ્વારા સમર્થન આપવાના હોવાથી બૅંકોનું કામકાજ ઠપ્પ થઇ શકે છે. કેશ ટ્રાન્ઝેકશન, ચેક ક્લિઅરન્સ જેવી સેવાઓ કદાચ ઉપલબ્ધ નહીં હોય અથવા તો તેમાં વિલંબ થશે. ઇન્શ્યોરન્સ ક્ષેત્રના કર્મચારીઓ પણ બંધમાં જોડાશે.
પોસ્ટલ અને સરકારી કચેરીઓમાં થશે ધીમી ગતિએ કામકાજ
પોસ્ટ ઓફિસમાં વિવિધ સેવાઓ બંધ રહેશે અથવા ધીમી ગતિએ કામકાજ ચાલશે. કોઇ પણ સરકારી કાર્યાલય તરફથી રજાની જાહેરાત કરાઇ નથી, પરંતુ કર્મચારીઓ બંધમાં જોડાવાના હોવાથી કામકાજ ગોકળગાયની ગતિએ થઇ શકે છે.
વીજળી પુરવઠો અને જાહેર સેવાઓ ઠપ્પ થશે
હડતાળમાં દેશભરના ૨૭ લાખથી વધુ ઇલેક્ટ્રિક કામગારો જોડાવાના હોવાથી વીજળી સંબંધિત કામકાજ ઠપ્પ રહેશે. વીજળી સંબંધિત કોઇ પણ સમસ્યા થાય તો તેને પહોંચી વળવામાં વિલંબ થઇ શકે છે અથવા તો સર્વિસ બંધ જ રહેશે.
લોકલ ટ્રેન-બેસ્ટ બસ સેવા યથાવત્ રહેશે
મુંબઈની લોકલ ટ્રેનો અને બેસ્ટ બસની સેવા સામાન્ય રહેવાની શક્યતા છે, કારણ કે હજી સુધી ટ્રાન્સપોર્ટ યુનિયનોએ બંધને સમર્થન જાહેર કર્યું નથી. તેમ છતાં તેમના તરફથી જો હડતાળને સમર્થન જાહેર કરાય તો જાહેર પરિવહનને અસર થઇ શકે છે.
સ્કૂલ-કોલેજો નિયમિત ચાલુ રહેશે
મહારાષ્ટ્ર સરકાર તરફથી શૈક્ષણિક સંસ્થાઓમાં રજા વિશે કોઇ જાહેરાત કરાઇ નથી. તેથી સ્કૂલ-કોલેજો નિયમિત ચાલુ રહેશે. તેમ છતાં ટ્રાન્સપોર્ટની સ્થિતિને કારણે સ્કૂલ-કોલેજોમાં પાંખી હાજરી રહેવાની શક્યતા છે.
ખાનગી ઓફિસ, માર્કેટનું કામકાજ સામાન્ય રહેશે
ખાનગી ઓફિસો અને બીકેસી, લોઅર પરેલ, અંધેરીમાં આવેલા કાર્યાલયો સામાન્ય રીતે ખુલ્લા જ રહેશે. દુકાનો, માર્કેટ અને રૅસ્ટોરાં-હોટેલો પણ ચાલુ જ રહેશે.