નેશનલ

પંજાબના મુખ્ય પ્રધાન બદલી રહ્યા હોવાની ચર્ચા વચ્ચે બોલ્યા CM ભગવંત માન

નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની કારમી હાર બાદ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. દિલ્હીમાં સત્તા ગુમાવ્યા બાદ હવે પાર્ટી પંજાબ સરકાર અંગે પણ ચિંતામાં છે, જેને ધ્યાનમાં રાખીને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આજે દિલ્હીમાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન, પ્રધાનો, વિધાનસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં કયા મુદ્દા પર ચર્ચા થઈ તે અંગે પંજાબમાં મુખ્ય પ્રધાન ભગવંત માનએ મીડિયાને માહિતી આપી છે.

AAPના કાર્યકરોનો માન્યો આભાર

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને કહ્યું કે, પંજાબના અમારા બધા કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો બેઠકમાં આવ્યા હતા. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા. દિલ્હીની ચૂંટણીમાં પંજાબના અમારા સાથીઓએ ખૂબ મહેનત કરી, તેથી તેમણે તેમનો આભાર માન્યો હતો. રાજકારણમાં જીત અને હાર હોય છે, અમે દિલ્હીની ટીમના અનુભવનો ઉપયોગ પંજાબમાં કરીશું.

અમારી પાર્ટી કામ માટે જાણીતી

મુખ્ય પ્રધાન માનએ દાવો કર્યો કે પંજાબમાં તેમની સરકાર લોકોના હિતમાં ઘણું કામ કરી રહી છે, પછી ભલે તે વીજળી હોય કે શિક્ષણ. અમે ત્યાં કામ કરી રહ્યા છીએ અને અમારે તેને વધુ વેગ આપવો પડશે. અમારી પાર્ટી તેના કામ માટે જાણીતી છે, ધર્મ કે ગુંડાગીરીના રાજકારણ માટે નહિ. આજની બેઠકમાં નિર્ણય લીધો છે કે આપણે પંજાબને એક મોડેલ બનાવીશું અને દેશને બતાવીશું.

આ પણ વાંચો : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ, 3 હોદ્દેદારોએ આપ્યા રાજીનામા

અટકળો પર બોલ્યા CM માન
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલી કારમી હર બાદ અરવિંદ કેજરીવાલ પંજાબ તરફ નજર રાખી રહ્યા હોવાના દાવા તહી રહ્યા છે. આ અંગે બેઠક બાદ જ્યારે સીએમ માનને આ અટકળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “તેમને કહેવા દો.” તેમણે પંજાબ AAP યુનિટમાં કોઈપણ અસંતોષ હોવાના કોંગ્રેસના દાવાઓને સ્પષ્ટપણે નકારી કાઢ્યા અને કહ્યું કે પાર્ટીના નેતાઓ અને કાર્યકરો સમર્પિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button