નેશનલ

કેન્દ્રએ મંજુરી ન આપતા ભગવંત માનનો વધુ એક વિદેશ પ્રવાસ રદ; ઘર્ષણ વધ્યું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મંજૂરી ન આપતા પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનની ચેક રિપબ્લિક અને નેધરલેન્ડની મુલાકાત રદ કરવામાં આવી છે. અહેવાલ મુજબ કેન્દ્ર સરકારે તેમની વિનંતીનો કોઈ જવાબ આપ્યો ન હતો, અંતે અ પ્રવાસ રદ કરવાની ફરજ પડી છે.

અહેવાલ મુજબ આવતા મહિને પંજાબમાં ઇન્વેસ્ટમેન્ટ સમિટ યોજાવાની છે, એ પહેલા મુખ્ય પ્રધાન માન પંજાબ સરકારના પ્રતિનિધિમંડળ સાથે રાજ્યમાં રોકાણ માટે રોકાણકારોને આમંત્રણ આપવા ચેક રિપબ્લિક અને નેધરલેન્ડ જવાના હતાં.

પ્રોટોકોલ મુજબ જો કોઈ રાજ્યના મુખ્યપ્રધાન કોઈપણ દેશની સત્તાવાર મુલાકાતે જવાના હોય ત્યારે વિદેશ મંત્રાલય પાસેથી રાજકીય મંજૂરી લેવી જરૂરી છે. MEA આવી અરજીઓને મંજૂરી આપવા, નકારવા કે રોકી રાખવા પાછળના કારણો જાહેર કરતુ નથી, ત્યારે આ મુદ્દો રાજકીય રીતે વધુને વધુ વિવાદાસ્પદ બન્યો છે.

ભગવંત માનનો ત્રીજો વિદેશ પ્રવાસ રદ:
રાજકીય મંજૂરી ન મળતા આ ત્રીજી વખત ભગવંત માનનો વિદેશ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીમાં, વિદેશ મંત્રાલય (MEA) એ ભગવંત માનની યુકે અને ઇઝરાયલની મુલાકાત માટે રાજકીય મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ ચાલી રહી હતી ત્યારે, ભગવંત માનની ફ્રાન્સ મુલાકાતની વિનંતી પણ નકારી કાઢવામાં આવી હતી.

હવે ફરી એક વાર ભગવંત માંની વિદેશ મુલાકાતને મંજુરી ના મળતા પંજાબ સરકાર અને કેન્દ્ર વચ્ચે પહેલાથી ચાલી રહેલા રાજકીય ઘર્ષણમાં વધારો થયો છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button