ભારતીયો માટે ગર્વની ક્ષણ: ભગવદ ગીતા અને નાટ્યશાસ્ત્રનો યુનેસ્કોની આ યાદીમાં સામેલ

નવી દિલ્હી: આજે વર્લ્ડ હેરીટેજ ડેના દિવસે ભારતીયો માટે ખુશીના સમાચાર છે. ભગવદ ગીતા (Bhagvad Gita) અને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર(Natyashastra)ને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર(UNESCO’s Memory of the World Register)માં સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે (Gajendra Singh Shekhvat) સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગે જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદી(PM Modi)એ આ અંગે ખુશી વ્યક્ત કરી. તેમણે તેને વિશ્વભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી.
વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતની X પોસ્ટ શેર કરી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે આ દુનિયાભરમાં ફેલાયેલા દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ગીતા અને નાટ્ય શાસ્ત્રનો સમાવેશ એ આપણા શાશ્વત જ્ઞાન અને સમૃદ્ધ સંસ્કૃતિની વૈશ્વિક માન્યતા દર્શાવે છે. ગીતા અને નાટ્ય શાસ્ત્રએ સદીઓથી સભ્યતા અને ચેતનાનું પોષણ કર્યું છે. તેમની આંતરદૃષ્ટિ વિશ્વને પ્રેરણા આપતી રહે છે.
યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં પેઢીઓથી સમાજ પર અસર રહ્યા હોય એવા મહત્વપૂર્ણ ઐતિહાસિક ગ્રંથો, હસ્તપ્રતો અને દસ્તાવેજોને સામેલ કરવામાં આવે છે.
યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો પવિત્ર સંવાદને ભગવદ ગીતામાં સમાવવામાં આવ્યો છે, આ ગ્રંથને સદીઓથી ભારતીય સમાજ માટે આધ્યાત્મિક અને દાર્શનિક આધારસ્તંભ છે.
જયારે, પ્રાચીન ઋષિ ભરત મુનિ દ્વારા લખાયેલ નાટ્યશાસ્ત્રને પ્રદર્શન કલા, ખાસ કરીને રંગભૂમિ, નૃત્ય અને સંગીત પરનો પાયો માનવામાં આવે છે.