કમલનાથનું નામ લેવાતા ભડક્યા શિવરાજ, કહ્યું, “કોની કોંગ્રેસ છે? સોનિયા, ખડગે કે કમલનાથની? “

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કમલનાથ પર નિશાન સાધતા કહ્યું હતું કે, કોંગ્રેસે પ્રેમની નહિ, જૂઠની દુકાનો ખોલી છે.
એક સમાચાર એજન્સીના પ્રતિનિધિઓ પૂછેલા સવાલના જવાબમાં તેઓ કમલનાથ પર આરોપોનો વરસાદ કરી દીધો. તેમણે કહ્યું, “અમે ફક્ત વચનો જ નથી આપતા, કામ પણ કરીએ છીએ. કોંગ્રેસે તો પ્રેમની નહિ જૂઠની દુકાન ખોલી છે. દરરોજ જૂઠ પીરસો. હું તેમને પૂછું છું કે તેઓ મહાજૂઠપત્ર તો લઇ આવ્યા પરંતુ પહેલા વચનપત્રનું શું થયું? ખેડૂતો માટે કોંગ્રેસે કહ્યું હતું કે દેવું માફ કરશે પરંતુ ન કર્યું. પાક વીમા યોજનાનો લાભ આપીશું, બોનસ આપીશું, એક રૂપિયાનું પણ બોનસ આપ્યું નથી. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનું ફંડ જે દિલ્હીથી આવવાનું હતું તેના માટે પીએમ મોદીને ખેડૂતોના નામની યાદી પણ પહોંચાડી નહિ.”
“કોંગ્રેસે લાખો ખેડૂતોને તેમના લાભથી વંચિત રાખવાનું મહાપાપ કર્યું છે. તેમણે ‘મહાજૂઠપત્ર’ બહાર પાડ્યું છે પણ તેના પર જનતા ભરોસો નહિ મૂકે. મધ્યપ્રદેશમાં કોની કોંગ્રેસ છે? સોનિયાની કે ખડગેની? મધ્યપ્રદેશમાં તો કોંગ્રેસ kની થઇ ગઇ છે, કમલનાથની.” તેવું શિવરાજસિંહ ચૌહાણે ઉમેર્યું હતું.
સીએમ શિવરાજસિંહે આગળ જણાવ્યું, “અહીં કોંગ્રેસ k(કે) થઇ ગઇ છે. કમલનાથની કોંગ્રેસ. તે જ સરવે કરાવી રહી છે. તે જ ટિકિટ વહેચી રહી છે. ટિકિટમાં ગરબડ હોય તો કહે છે કે દિગ્વિજયના કપડા ફાડો.. કમલનાથે તો INDIA ગઠબંધનનો પણ સત્યાનાશ કરી નાખ્યો. કમલનાથજીના કોંગ્રેસમાં કાર્યકર્તાઓ કપડા ફાડી રહ્યા છે. પુતળા બાળી રહ્યા છે.”