‘તૃણમૂલ કરતાં ભાજપને મત આપવો વધુ સારો’, કોંગ્રેસના આ નેતાના નિવેદનથી વિવાદ
કોલકાતાઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ મંગળવારે પશ્ચિમ બંગાળમાં એક ચૂંટણી કાર્યક્રમને સંબોધતા કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસને મત આપવા કરતાં ભાજપને મત આપવો તે ” વધારે સારું” છે. તેમના આ નિવેદન બાદ વિવાદ છેડાયો છે અને તૃણમૂલ કૉંગ્રેસે તેમને અને કૉંગ્રેસને ભાજપની બી-ટીમ કહ્યા હતા અને કહ્યું હતું કે બહેરામપુરના લોકો આ વિશ્વાસઘાતનો યોગ્ય જવાબ આપશે
બીજેપી નેતા શહેઝાદ પૂનાવાલાએ અધીર રંજનનો એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતા “જાણે છે” કે TMCને આપવામાં આવેલ કોઈપણ મત પશ્ચિમ બંગાળને “નુકસાન” કરશે. જો કે, અધીર રંજનની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે તેમણે હજી સુધી આ વીડિયો જોયો નથી, તેથી તેઓ કોઇ પ્રતિક્રિયા આપવાની સ્થિતિમાં નથી, પણ પાર્ટીનો એક જ ઉદ્દેશ્ય છે કે ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા.
પશ્ચિમ બંગાળ કોંગ્રેસના વડા અને બહેરામપુર લોકસભાના ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ચૂંટણી રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરવાની છે અને લોકોને બિનસાંપ્રદાયિક દળોને મત આપવા વિનંતી કરી હતી. કોંગ્રેસ અને ડાબેરીઓ માટે જીતવું જરૂરી છે. જો તેઓ આમ નહીં કરે તો ધર્મનિરપેક્ષતા દાવ પર લાગશે. ટીએમસીને મત આપવો એટલે ભાજપને મત આપવો, તેથી ભાજપને જ મત આપવો તે જ વધુ સારું છે. ભાજપને મત ન આપો, ટીએમસીને મત ન આપો,” એમ ચૌધરીએ બંગાળીમાં ભાષણ દરમિયાન કહ્યું હતું.
અધીર રંજન ચૌધરી પશ્ચિમ બંગાળના બહેરામપુર મતવિસ્તારમાંથી ટીએમસીના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ સામે ચૂંટણી લડશે. રાજ્યમાં સાત તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, જ્યારે બહેરામપુર બેઠક માટે 13 મે (ચોથો તબક્કો)ના રોજ ચૂંટણી યોજાવાની છે.