બેંગલુરુમાં ઘાતકી હત્યા: પતિએ દીકરી સામે જ પત્નીને ચાકુના 12 ઘા મારી જાહેરમાં હત્યા કરી

બેંગલુરુ: કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં મહિલા સામે હિંસાનો એક ગંભીર મામલો બન્યો છે. શહેરના એક બસ સ્ટેન્ડ પર તેની દીકરી સાથે ઉભેલી 32વર્ષની મહિલાની તેના પતિએ ચાકુના બાર ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી. ધોળાદિવસે જાહેરમાં આ ઘટના બનતા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આરોપી પતિ હાલ ફરાર છે, પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
અહેવાલ મુજબ 35 વર્ષીય લોકેશ અને 32 વર્ષીય રેખાએ ત્રણ મહિના પહેલા જ લગ્ન કર્યાં હતાં, બંનેના આ બીજા લગ્ન હતા. દોઢ વર્ષ પહેલા તેઓ પરસ્પર મિત્રો દ્વારા મળ્યા હતા. પહેલા લગ્નથી રેખાને બે દીકરીઓ હતી, નાની દીકરી રેખા માતાપિતા સાથે રહેતી હતી. જ્યારે મોટી દીકરી લોકેશ અને રેખા સાથે ભાડાના મકાનમાં રહેતી હતી.
ચરિત્ર પર શંકાને કારણે કરી હત્યા!
રેખાએ એક કોલ સેન્ટરમાં કાલ કરતી હતી, તેણે ભલામણ કરીને લોકેશને કોલ સેન્ટરમાં ડ્રાઇવરની નોકરી અપાવી હતી. પરિચિતોના જણાવ્યા મુજબ લોકેશને રેખાના ચરિત્ર પર શંકા રહેતી હતી, તેને શંકા હતી કે રેખાના કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ છે. અવારનવાર બંને વચ્ચે ઉગ્ર બોલચાલ થતી હતી.
ચાકુના બાર ઘા ઝીંકી હત્યા:
ગઈ કાલે સવારે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. રેખા તેની 13 વર્ષની દીકરી સાથે બસ સ્ટેન્ડ માટે રવાના થઈ ગઈ હતી. ગુસ્સે ભરાયેલો લોકેશ ચાકુ લઇને બસ સ્ટેન્ડ તરફ દોડી ગયો અને રેખા સાથે ત્યાં ઝઘડો શરૂ કર્યો. જ્યારે તેની દીકરીએ દખલ કરી કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તે ચાકુ કાઢીને રેખા પર તૂટી પડ્યો, અને છાતી પર બાર ઘા ઝીંકી દીધા અને ફરાર થઇ ગયો. રેખાનું સ્થળ પર જ મોત નીપજ્યું, તેની દીકરીએ આ ભયાનક દ્રશ્યો જોયા.
બસ સ્ટેન્ડ પર જાહર લોકોએ દખલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપી લોકેશ તેમના તરફ ચાકુ સાથે ધસી ગયો હતો. શહેરના કામકશીલ્યા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે, અને આરોપીને શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો…કમ્પ્યુટર ક્લાસથી પાછી ફરેલી સગીરા સાથે ચાકુની ધાકે દુષ્કર્મ…