નેશનલ

બેંગલુરુમાં રસ્તા વચ્ચે સ્કોર્પિયોથી કચડી નાખ્યોઃ અક્સમાત લાગતી ઘટના નીકળી હત્યા

ટેકસિટિ તરીકે ઓળખાતા શહેર બેંગલુરુમાં હત્યાની એક ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે.

રોડ પર કાર દ્વારા એક વ્યક્તિની હત્યાની ઘટના એક રાહદારીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.


વીડિયોમાં સ્કોર્પિયો સવાર એક વ્યક્તિ જાણીજોઈને એક વ્યક્તિ પર તેની કાર ચલાવે છે. આ પછી પણ, જ્યારે તે ભાગવાનો પ્રયાસ કરે છે, ત્યારે વાહન સવારો તેનો પીછો કરે છે અને તેને ફરીથી કચડી નાખવાનો પ્રયાસ કરે છે. જ્યારે તે બીજા પ્રયાસમાં પણ નિષ્ફળ જાય છે, ત્યારે તે તેની એસયુવીને ઉલટાવે છે અને ત્રીજી વખત તેના તરફ કારને લઈ જાય છે અને પરિણામે તે વ્યક્તિનું મૃત્યુ થાય છે.


ઘટનાની મળતી માહિતી અનુસાર આ ઘટના 18 ઓક્ટોબરે સવારે 12.30 વાગ્યે બની હતી. આરોપી અમરીને બેંગલુરુના પુલકેશી નગર પાસે અસગર નામના યુવકને તેની સ્કોર્પિયો કારથી કચડી નાખ્યો હતો. વીડિયોમાં મૃતક હુમલાખોરોથી બચવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે, જોકે તે સફળ થતો નથી.


શરૂઆતમાં આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવામા આવી હતી, પરંતુ વીડિયો બહાર આવતા પોલીસે હત્યાનો કેસ નોંધી મૃતકના મિત્રનું નિવેદન પણ લીધું છે. જેસી નગર પોલીસ સ્ટેશનમાં કલમ 307 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.


મૃતક અસગર સેકન્ડ હેન્ડ કાર ડીલર હતો અને આરોપીઓ એકબીજાને ઓળખતા હતા. આરોપીએ અસગર પાસેથી કાર ખરીદી હતી પરંતુ તેને 4 લાખ રૂપિયા ચૂકવ્યા ન હતા. પૈસા બાબતે થયેલી માથાકૂટ મારામારીમાં પરિણમી હતી
રિપોર્ટ અનુસાર, મારપીટની ઘટના બાદ આરોપીઓએ અસગરને તેમની વિરુદ્ધ કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચી લેવા કહ્યું હતું અને વાત કરવાના બહાને તેને બોલાવ્યો હતો. જ્યારે અસગર તેના એક મિત્રને ડ્રોપ કરવા પોટરી ટાઉન પહોંચ્યો ત્યારે આરોપીએ તેની ઉપર કાર ચલાવી દીધી હોવાની માહિતી મળી છે.


પોલીસે આરોપી અમરીન અને તેના બે સહયોગીઓ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો છે. તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button