બેંગલુરૂના ડોક્ટરે પત્નિની હત્યા કરીને 5 ગર્લફ્રેન્ડને મોકલ્યો મેસેજ…………….

બેંગલુરુ: દેશમાં ચકચાર મચાવનાર ડૉક્ટર પત્ની કૃતિકા એમ. રેડ્ડીની હત્યાના આરોપી ડૉક્ટર મહેન્દ્ર રેડ્ડી જી.એસ.ના કેસમાં નવો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, ડૉ. મહેન્દ્ર રેડ્ડીએ તેમની પત્નીના મૃત્યુના માત્ર થોડા મહિનાઓ બાદ તેમની પાંચથી પણ વધારે ગર્લફ્રેન્ડનો કરીને તેમને લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. પોલીસનું કહેવું છે કે, રેડ્ડીએ એક મહિલા સમક્ષ કબૂલ્યું હતું કે તેણે જ પોતાની પત્નીની હત્યા કરી છે. આ વાતને એટલા માટે પણ મહત્વની માનવામાં આવી રહી છે કારણ કે ડૉ. કૃતિકાના ફોરેન્સિક રિપોર્ટમાં તેમના શરીરમાં બેભાન કરવાની દવાની હાજરી સાબિત થઈ ગઈ હતી.
મીડિયા અહેવાલો અનુસાર, ડૉ. મહેન્દ્ર રેડ્ડી જી.એસ.એ તેમની પત્નીની હત્યા કર્યા બાદ લગભગ ચારથી પાંચ મહિલાઓને કેટલાક મેસેજ મોકલ્યા હતા. આ મહિલાઓમાં એક મેડિકલ પ્રોફેશનલ પણ સામેલ હતી, જોકે તે પોતે ડૉક્ટર નથી. પોલીસે જણાવ્યું કે રેડ્ડીએ તે મહિલાને મેસેજ કર્યો હતો કે, “મેં તારા માટે મારી પત્નીને મારી નાખી છે.” નોંધવા જેવી બાબત એ છે કે , આ મહિલાએ રેડ્ડીને ઘણી એપ્સ પર બ્લોક કરી દીધો હતો, જેના કારણે રેડ્ડીએ આ સંદેશો છેવટે ફોન પે (PhonePe) એપ દ્વારા મોકલ્યો હતો. બીજી વાર લગ્ન કરવાની કોશિશમાં રેડ્ડી મહિલાઓના સંપર્કમાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, રેડ્ડીએ 24 એપ્રિલે ડૉ. કૃતિકાને એનેસ્થેસિયા આપીને હત્યા કરી હતી અને બાદમાં 14 ઓક્ટોબરે તેને ઉડુપી જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ પોલીસે તેના મોબાઇલ ફોન અને લેપટોપ જપ્ત કરીને લેબમાં મોકલી આપ્યા હતા, જ્યાં તપાસ દરમિયાન મહિલાઓને મોકલેલા મેસેજ સામે આવ્યા હતા.
પોલીસ અધિકારીએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, મેસેજ ફોન પે દ્વારા મોકલાયા હતા અને મહિલાના નિવેદનો નોંધવામાં આવ્યા છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે તેણે ડૉક્ટરને લગ્ન પહેલા જ તેને બ્લોક કરી દીધો હતો અને કૃતિકા સાથેના લગ્ન પછી રેડ્ડીથી અંતર જાળવી રાખ્યું હતું. મહિલાને શરૂઆતમાં લાગ્યું હતું કે ડૉક્ટર માત્ર વાત કરવાનો પ્રયાસ કરવા માટે ખોટું કબૂલ કરી રહ્યા છે, પરંતુ પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આ ગુનામાં મહિલાની કોઈ ભૂમિકા નથી.
રિપોર્ટ મુજબ, તપાસ અધિકારીઓને એ પણ જાણવા મળ્યું છે કે 2023 દરમિયાન ડૉ. મહેન્દ્ર રેડ્ડી મુંબઈની એક મહિલાના સંપર્કમાં હતો અને તેણે ઘણી વખત તેની સામે લગ્નનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. જોકે, પાછળથી આ મહિલાએ તેના પિતા દ્વારા રેડ્ડીને ફોન કરાવીને ખોટી માહિતી આપી હતી કે તેની મૃત્યુ થઈ ગઈ છે, જેના પછી બંને વચ્ચે કોઈ સંપર્ક રહ્યો નહોતો.
 


