ડોક્ટર પતિ જ બન્યો પત્નીનો કિલર! તબીબી જ્ઞાનનો ઉપયોગ જીવ બચાવવા નહીં, પણ હત્યા માટે કર્યો | મુંબઈ સમાચાર
નેશનલ

ડોક્ટર પતિ જ બન્યો પત્નીનો કિલર! તબીબી જ્ઞાનનો ઉપયોગ જીવ બચાવવા નહીં, પણ હત્યા માટે કર્યો

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વિક્ટોરિયા હોસ્પિટલના 32 વર્ષીય જનરલ સર્જન ડો. મહેન્દ્ર રેડ્ડીએ પોતાની તબીબી જાણકારીનો ઉપયોગ દર્દીનો જીવ બચાવવાને બદલે પોતાની 28 વર્ષીય ડર્મેટોલોજિસ્ટ પત્ની ડો. કૃતિકા રેડ્ડીની હત્યા કરવા માટે કર્યો હોવાનું ખૂલતાં ચકચાર મચી જવા પામી છે. 26 મે 2024ના રોજ લગ્ન બાદ માત્ર 11 મહિનામાં જ કૃતિકાનું મૃત્યુ થયું હતું, જેને છ મહિના સુધી પોલીસે કુદરતી મૃત્યુમાં ખપાવી દીધું હતું. જોકે, હવે પોલીસ તપાસમાં હત્યા હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે પતિ મહેન્દ્રની 14 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી છે.

‘કુદરતી મૃત્યુ’ની પાછળનું ષડયંત્ર

પોલીસના જણાવ્યા અનુસાર, ડો. મહેન્દ્ર રેડ્ડીએ તેમની પત્નીની તબીબી નબળાઈઓનો ફાયદો ઉઠાવીને આ હત્યાને અંજામ આપ્યો હતો. વ્હાઇટફિલ્ડ ડીસીપી એમ. પરશુરામે જણાવ્યું કે, “મહેન્દ્રએ પોતાની પત્નીની હત્યા ખૂબ જ સાવધાનીપૂર્વક યોજનાબદ્ધ કરી હતી.” 21 એપ્રિલ, 2025ના રોજ મહેન્દ્રએ પોતાના ઘરે પત્નીને પેટના દુખાવાના બહાને IV ઇન્જેક્શન આપ્યું હતું. 23 એપ્રિલની રાત્રે તે ફરીથી પત્નીના પિયર ગયો, જ્યાં તેણે બીજું એનેસ્થેસિયાનું ઘાતક ઇન્જેક્શન આપ્યું હતું.

24 એપ્રિલની સવારે કૃતિકા બેભાન હાલતમાં મળી આવી હતી અને ડોક્ટર હોવા છતાં મહેન્દ્રએ CPR આપવાનો પ્રયાસ ન કર્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

FSL રિપોર્ટથી હત્યાનો ખુલાસો

પ્રારંભમાં તો આ મૃત્યુને કુદરતી ગણવામાં આવ્યું હતું. પરંતુ પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટમાં કૃતિકાના શરીરમાં એનેસ્થેસિયાના અવશેષો મળી આવતાં કેસની દિશા બદલાઈ ગઈ હતી. કૃતિકાના પિતા કે. મુની રેડ્ડીની ફરિયાદના આધારે મહેન્દ્ર વિરુદ્ધ કેસ નોંધાયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, લગ્ન પછી મહેન્દ્રને ખબર પડી કે કૃતિકાને લાંબા સમયથી ગેસ્ટ્રિક અને મેટાબોલિક વિકાર હતા, જેની માહિતી પરિવાર દ્વારા પહેલા આપવામાં આવી ન હતી. પોલીસને શંકા છે કે આ જ કારણથી મહેન્દ્રમાં નારાજગી અને બદલાની ભાવના પેદા થઈ, જેણે હત્યાનું સ્વરૂપ લીધું.

આ પણ વાંચો…AMC કૌભાંડોના RTI એક્ટિવિસ્ટનું અપહરણ બાદ મર્ડર: કેનાલમાંથી મૃતદેહ મળતા ચકચાર, ગળું દબાવ્યાના નિશાન

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button