Kolkataમાં મહિલા સુરક્ષાને લઇને ઉઠયા સવાલ ? જાણીતી અભિનેત્રી પર રોડ પર જ થયો હુમલો
કોલકાતા: સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળના કોલકાતામાં(Kolkata)ટ્રેઇની ડૉક્ટર સાથે થયેલી બર્બરતાનો મુદ્દો ચર્ચામાં છે. તેમજ દેશના ટ્રેઇની ડૉક્ટર પણ અલગ અલગ સ્થળોએ ટ્રેઇની ડૉક્ટરને ન્યાય અપાવવા અને તેમની સુરક્ષા માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે . તેવા સમયે કોલકાતામાં મહિલા સુરક્ષાને લઇને સવાલ ઉઠાવતી વધુ એક ઘટના સામે આવી છે. આ ઘટના કોઈ સામાન્ય યુવતી સાથે નહીં પરંતુ બંગાળની જાણીતી અભિનેત્રી પાયલ મુખર્જી સાથે બની છે.
માહિતી ખુદ પાયલ મુખર્જીએ આપી હતી
જેમાં કોલકાતામાં એક બાઇક સવારે પાયલ મુખર્જીની કાર પર હુમલો કર્યો અને મુક્કાથી કારનો કાચ તોડી નાખ્યો હતો. ત્યાર બાદ અભિનેત્રી પર હુમલો કરવાનો પ્રયાસ પણ કર્યો. આ ઘટના શુક્રવારે સાંજે દક્ષિણ કોલકાતાના સધર્ન એવેન્યુ વિસ્તારમાં બની હતી. જેની માહિતી ખુદ પાયલ મુખર્જીએ આપી હતી.
બંગાળી અભિનેત્રી પર રસ્તા વચ્ચે હુમલો
અભિનેત્રીએ ઘટના દરમિયાન જ લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કર્યું અને સમગ્ર ઘટનાને સંભળાવી. એક્ટ્રેસની કાર પર હુમલો કરતી વખતે હુમલાખોરે કાચ તોડી નાખ્યો. જેના કારણે પાયલ ડરી ગઇ અને રડવા લાગી. પાયલે સોશિયલ મીડિયા પર આ ભયાનક ઘટનાની ઝલક બતાવી. વીડિયોમાં પાયલ આઘાતજનક અનુભવને યાદ કરતી વખતે આંસુ લૂછતી જોઈ શકાય છે. તેણે કહ્યું કે આ અચાનક હુમલાથી તે ચોંકી ગઇ હતી. ઘટના સ્થળની તસ્વીરોમાં તેની કારની બારીના તૂટેલા કાચ પણ દેખાય છે. આ સાથે અભિનેત્રીએ હુમલાખોરની બાઇકની વિગતો પણ શેર કરી છે.
મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવ્યા
આ દરમિયાન પાયલ કોલકાતામાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવતી જોવા મળી. અભિનેત્રી કહે છે કે તેની પાછળ આવેલા બાઇક સવારે તેને પહેલા કારની બારી ખોલવાનું કહ્યું, પરંતુ છેડતીના ડરથી તેણે બારી ખોલવાની ના પાડી. તેની બાદ હુમલાખોરે તેની કારની બારી પર મુક્કો માર્યો અને કાચ તોડી નાખ્યો અને કારની અંદર સફેદ પાઉડર જેવી વસ્તુ ફેંકી દીધી. કાચના ટુકડા તેના આખા શરીર પર અથડાયા. આ વીડિયો પોસ્ટ કરતી વખતે તેણે મદદ માટે કોલકાતા પોલીસને ટેગ કર્યો. જેની બાદ પોલીસ એક્શનમાં આવી અને સ્થળ પર પહોંચી.