નેશનલ

તો પ. બંગાળમાં ભત્રીજો સીએમ મમતાને પછાડી દેશે……..

કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસની રચનાને સોમવારે 26 વર્ષ પૂર્ણ થયા છે. પક્ષમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે શું પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ યુવા પેઢી માટે રસ્તો બનાવવો જોઈએ? મુખ્ય પ્રધાન મમતા બેનરજી અનુભવી નેતાઓને ટેકો આપી રહ્યા છે જ્યારે તેમના ભત્રીજા અભિષેક બેનરજી વૃદ્ધ નેતાઓની નિવૃત્તિની હિમાયત કરી રહ્યા છે. વૃદ્ધ નેતાઓ અને નવી પેઢીના નેતાઓ વચ્ચેની ચર્ચા વચ્ચે, મુખ્ય પ્રધાન બેનરજીએ ગયા મહિને પક્ષના વરિષ્ઠ નેતાઓનું સન્માન કરવાની અપીલ કરી હતી અને ત્યાર બાદ વૃદ્ધ નેતાઓએ રાજકારણમાંથી નિવૃત્તિ લેવી જોઈએ તેવા દાવાઓને ફગાવી દેવામાં આવ્યા હતા.

તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીએ વધતી ઉંમર સાથે કાર્યક્ષમતામાં થતા ઘટાડાનું કારણ દર્શાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજકારણમાં નિવૃત્તિની ઉંમર હોવી જોઈએ. અભિષેક બેનરજીના નજીકના ગણાતા પાર્ટીના પ્રવક્તા કુણાલ ઘોષે દાવો કર્યો હતો કે જૂના અને નવા નેતાઓ વચ્ચે કોઈ ખેંચતાણ નથી. તેમણે કહ્યું કે જૂના નેતાઓને ખબર હોવી જોઈએ કે ક્યાં રોકાવું જોઈએ અને તેમણે આગામી પેઢીના નેતાઓ માટે જગ્યા બનાવવાની જરૂર છે. ત્યારે ઘોષના આ નિવેદનની ચર્ચાએ જોર પકડ્યું હતું. 70 વર્ષથી વધુ વયના ઘણા વર્તમાન સાંસદો, મંત્રીઓ અને વિવિધ હોદ્દા ધરાવતા ઘણા વરિષ્ઠ નેતાઓએ ઘોષની ટિપ્પણીનો વિરોધ કર્યો હતો.


તૃણમૂલ કોંગ્રેસના લોકસભા પક્ષના નેતા સુદીપ બંદોપાધ્યાયે કહ્યું, ‘મમતા બેનરજી પાર્ટીના વડા છે, તેથી તેમનો નિર્ણય અંતિમ છે. જો તેમને લાગે કે કોઈ નિવૃત્ત થવા માટે યોગ્ય છે, તો તે નિવૃત્ત થઈ જશે. જો તેમને લાગતું હોય કે આવું નથી તો તે વ્યક્તિ પક્ષ માટે કામ કરવાનું ચાલુ રાખશે. પાર્ટીના 74 વર્ષીય નેતા બંદોપાધ્યાયે કહ્યું હતું કે આ ચર્ચાનો કોઈ અર્થ નથી કારણ કે પાર્ટીને યુવા અને વરિષ્ઠ બંને સભ્યોની જરૂર છે. આવી જ લાગણી વ્યક્ત કરતાં 76 વર્ષીય સૌગત રોયે કહ્યું, ‘પાર્ટીમાં ઉંમર વિશે કોઈ સમસ્યા નથી. વરિષ્ઠ અને આગામી પેઢીના નેતાઓની ભૂમિકા અંગે અંતિમ નિર્ણય મમતા બેનરજી પર રહેલો છે. તે નક્કી કરે છે કે કોણ ચૂંટણી લડશે અથવા તે પાર્ટીમાં કયું પદ સંભાળશે. તેમની પાસે અંતિમ સત્તા છે.’


પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર બંદોપાધ્યાય અને રોય બંને એવા નેતાઓની યાદીમાં ટોચ પર છે કે જેમના પર પાર્ટીમાં સૂચિત વય મર્યાદાના અમલીકરણનો શું પ્રભાવ પડશે એ સમજી શકાય એમ છે. મુખ્ય પ્રધાન મમતાની નજીકના મનાતા વરિષ્ઠ મંત્રી ફિરહાદ હકીમે કહ્યું હતું કે માત્ર મુખ્ય પ્રધાન બેનરજી જ મહત્તમ વય મર્યાદા અથવા એક વ્યક્તિ એક પદના પ્રસ્તાવ પર નિર્ણય લઇ શકે છે.


પક્ષના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે વૃદ્ધ નેતાઓની હકાલપટ્ટી કરવાની અને અભિષેક બેનરજી દ્વારા ચૂંટાયેલા યુવાનો નેતાઓ માટે માર્ગ બનાવવા માટે પક્ષમાં વય મર્યાદા અને એક વ્યક્તિ એક પદની માગ વધી રહી છે. તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, ‘આ ચર્ચા 2024ની લોકસભા ચૂંટણી પહેલા નહીં થાત તો બહેતર હતું, કારણ કે તે આપણી ચૂંટણીની સંભાવનાઓને નુકસાન પહોંચાડશે. 2024ની લોકસભાની ચૂંટણી માથા પર છે, ત્યારે આવો વિવાદ છેડીને આપણે આપણા જ પગ પર કુહાડી મારી રહ્યા છીએ.


બંગાળના સીએમ મમતા બેનરજી તેમના પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ પર લોખંડી પંજો ધરાવે છે. તેમના વિના પક્ષમાં પાંદડું નથી હલતું, પણ ભત્રીજા અભિષેક બેનરજી પણ કંઇ કાચી માટીના ઘડાયેલા નથી. તેમને પણ ખબર છે કે સત્તા પર કબજો ધીમે ધીમે જ કરાશે, તેથી હવે એવો સવાલ થવો સ્વભાવિક છે કે શું ભત્રીજો મમતા બેનરજીને પછાડી દેશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button