બંગાળ: NIAએ મહિલાઓ સાથે ગેરવર્તણૂકના આરોપોને નકારી કાઢ્યા, TMCએ કાર્યવાહી પર ઉઠાવ્યા સવાલ

પશ્ચિમ બંગાળના ભૂપતિનગરમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના દરોડા દરમિયાન અધિકારીઓની ટીમ પર થયેલા હુમલા બાદ ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. ભૂપતિનગર વિસ્તારમાં તેની તાજેતરની કાર્યવાહીમાં કોઈપણ દુર્ભાવનાને નકારી કાઢતા, NIAએ રવિવારે તેની સામે લાદવામાં આવેલા ગેરકાયદેસર પ્રવૃત્તિઓના આરોપોને નકારી કાઢ્યા હતા અને સમગ્ર વિવાદને કમનસીબ ગણાવ્યો હતો.
કેસની વિગત એવી છે કે ધરપકડ કરાયેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા મનોબ્રત જનાની પત્નીએ NIA અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધાવી છે. મનોબ્રત જનાની પત્ની મોની જનાએ એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ તપાસના બહાને ભૂપતિનગર સ્થિત તેમના નિવાસસ્થાનમાં બળજબરીથી ઘૂસીને તેમની ગરિમાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. NIAએ આ આરોપોને ફગાવી દીધા છે.
આ પણ વાંચો : બર્ફીલા ખંડ એન્ટાર્કટિકામાં ભારતે ત્રીજી પોસ્ટ ઓફિસ ખોલી, જાણો શું છે તેનું વ્યુહાત્મક મહત્વ
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ભૂપતિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોતાની ફરિયાદમાં ટીએમસી નેતાની પત્નીએ આરોપ લગાવ્યો છે કે શનિવારે સવારે દરોડા દરમિયાન NIA અધિકારીઓએ તેમના નિવાસસ્થાનમાં પણ તોડફોડ કરી હતી. અધિકારીએ કહ્યું કે, અમે એક મહિલા દ્વારા મારપીટની ફરિયાદ મળ્યા બાદ એફઆઈઆર નોંધી છે. પોલીસે IPCની કલમ 354, 354 બી સહિત અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ઉલ્લેખનિય છે કે શનિવારે NIAએ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં 2022 બ્લાસ્ટના કેસમાં બે મુખ્ય કાવતરાખોરો મનોબ્રત જના અને બલાઈ ચરણ મેઈતીની ધરપકડ કરી હતી. વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા. NIAએ સ્પષ્ટતા કરી કે તેમની ધરપકડ પ્રામાણિક, વૈધાનિક અને કાયદાકીય રીતે જરૂરી હતી. તપાસ એજન્સીએ રવિવારે નિવેદન જારી કરીને પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું હતું. આ ઘટના ડિસેમ્બર 2022 માં બની હતી અને કલકત્તા હાઈકોર્ટના આદેશ પર 6 જૂન 2023 ના રોજ કેસની તપાસ NIAને સોંપવામાં આવી હતી.