પશ્ચિમ બંગાળમાં અરાજકતાઃ બંગાળના રાજ્યપાલે મમતા સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

કોલકાતાઃ બિહારમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે નજીકના રાજ્ય પશ્ચિમ બંગાળમાં હિંસા અને અંધાંધૂધીનો માહોલ છે. ઉત્તર બંગાળના નાગરકાટા વિસ્તારમાં રાહત કાર્યો વખતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ ખગેન મુર્મૂ અને વિધાનસભ્ય શંકર ઘોષ પર સ્થાનિક લોકોએ હિંસક હુમલો કર્યો હતો. આ બંને નેતાને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ આ કેસમાં કોઈની ધરપકડ થઈ નથી, તેથી રાજ્યના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મમતા બેનરજીની સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે.
રાજ્યના રાજ્યપાલે રાજ્ય સરકારને કહ્યું છે કે સરકારની પાસે ફક્ત 24 કલાકનો સમય છે. સરકારે 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવી પડશે અને જો એમ થયું નહીં તો બંધારણના દાયરામાં ઉપલબ્ધ વિકલ્પો પર કામ કરવામાં આવશે. તેમણે કહ્યું કે જલપાઈગુડી જિલ્લાના પૂરગ્રસ્ત નાગરકાટામાં રાહત વિતરણ કરતી વખતે નેતાઓ પર હુમલો થયો. રાજ્યમાં આ વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં લોકો પર નિર્દયતાથી હુમલા કરવામાં આવી છે. મેં રાજ્યની સરકારની 24 કલાકની અંદર ગુનેગારોની ધરપકડ કરવાની સલાહ આપી છે અને જો તેમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમને બંધારણીય પરિણામો પણ ભોગવવા તૈયાર રહેવું પડશે.
રાજ્યપાલે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં જનપ્રતિનિધિઓ પર આ પ્રકારના હુમલા ખૂબ જ ગંભીર બાબત છે. આ બાબત કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. રાજ્ય સરકારને એટલે 24 કલાકનો સમય આપવામાં આવ્યો છે. જો કાર્યવાહી કરવામાં નહીં આવી તો મારે બંધારણ અન્વયેના અન્વયેના વિકલ્પો પર વિચારણા કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે સોમવારે ઉતર બંગાળના નાગરકાટા વિસ્તારમાં રાહતકામગીરી વખતે ભાજપના સાંસદ અને વિધાનસભ્ય પર લોકોએ હિંસક હુમલો કર્યો હતો. આ હુમલા પછી ભાજપે ટીએમસી (તૃણમુલ કોંગ્રેસ પાર્ટી) પર આરોપ મૂકતા કહ્યું હતું કે આ પાર્ટીનું યોજનાબદ્ધ ષડયંત્ર છે. જોકે, એનો જવાબ આપતા ટીએમસીએ કહ્યું કે પૂરમાં અસરગ્રસ્તોને મોડેથી મદદ કરવાને કારણે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. પોલીસે આ મુદ્દે તપાસ કરી હોવા છતાં હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.
આ પણ વાંચો…પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં ‘બબાલ’: ભાજપના નેતાઓ પર હિંસક હુમલો, રાહતસામગ્રી વહેંચતા ભોગ બન્યા