
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણી પહેલા સંસદના છેલ્લા સત્રની શરૂઆત પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે દેશ પ્રગતિ નવી ઊંચાઈઓ સ્પર્શી રહી છે. લોકોના આશીર્વાદથી તેમની સરકારની સર્વાંગી વિકાસની યાત્રા ચાલુ રહેશે એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સંસદના બજેટ સત્રની શરૂઆત પહેલા પત્રકારોને વડા પ્રધાન મોદીએ ‘રામ રામ’ કહીને શુભેચ્છા પાઠવી અને કહ્યું હતું કે ચૂંટણી પહેલા સંપૂર્ણ બજેટ રજૂ નહીં કરવાની પરંપરા રહી છે. તેમણે કહ્યું હતું કે આ પરંપરાને અનુસરીને તેમની નવી સરકાર બન્યા બાદ દેશવાસીઓ સમક્ષ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે એવા સાંસદો કે જેમની હોબાળો કરવાની ટેવ સ્વભાવ બની ગયો છે અને તેઓ લોકતાંત્રિક મૂલ્યોને તોડી નાખે છે તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. વિપક્ષી સાંસદો પર સંસદની કાર્યવાહીમાં વારંવાર વિક્ષેપ પાડવાનો આરોપ લગાવતા મોદીએ કહ્યું હતું કે જે લોકો હોબાળો મચાવવા અને લોકતાંત્રિક મૂલ્યોને વિકૃત કરવા ટેવાયેલા છે તેઓએ આગામી ચૂંટણી પહેલા આ છેલ્લા સત્ર દરમિયાન આત્મમંથન કરવું જોઈએ.
તેમણે આવા સાંસદોને કહ્યું હતું કે પોતાના સંસદીય ક્ષેત્રના 100 લોકોને પણ પૂછો. કોઈને યાદ નહીં હોય, કોઇને નામ પણ ખબર નહી હોય જેમણે આટલો હોબાળો મચાવી દીધો છે. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે હોબાળો, નકારાત્મકતા અને તોફાન કરનારા લોકોને લોકતંત્ર પ્રેમીઓ યાદ કરશે નહી અને તેમના માટે આ બજેટ સત્ર પશ્વાતાપનો અવસર પણ છે.
વડા પ્રધાને તેમના સંબોધનની શરૂઆત અને અંત ‘રામ-રામ’થી કર્યો હતો. તેમણે કહ્યું કે સામાન્ય રીતે ચૂંટણીનો સમય નજીક હોય ત્યારે સંપૂર્ણ બજેટ રાખવામાં આવતું નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ચૂંટણી બાદ તેમના નેતૃત્વમાં નવી સરકાર બનશે અને સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. આગામી સંસદીય ચૂંટણી પહેલા વર્તમાન લોકસભાનું આ છેલ્લું સત્ર છે.