લોકસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન મોદીએ ‘મેરા ભારત, મેરા પરિવાર’ પર ભાર મૂક્યો
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ‘મૈં મોદી કા પરિવાર હું’ ઝુંબેશનો વીડિયો શેર કર્યો હતો. આ મ્યુઝિકલ વીડિયોમાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો ગરીબોથી લઈને ખેડૂતો સુધીના લોકોને કેટલો ફાયદો થયો છે તેની વાત કરવામાં આવી છે અને વડા પ્રધાનને ટેકો જાહેર કરતાં જણાવવામાં આવ્યું છે કે તેઓ મોદીનો પરિવાર છે.
મેરા ભારત, મેરા પરિવાર એમ તેમણે સોશ્યલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે લખ્યું હતું.
વડા પ્રધાને અનેક વખત પોતાના ભાષણોમાં લોકોને ‘મારા પરિવારજનો’ તરીકે ઉલ્લેખ્યા છે. થોડા સમય પહેલાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવ દ્વારા એવી ટીકા કરવામાં આવી હતી કે વડા પ્રધાનનો કોઈ પરિવાર નથી.
તેનો જવાબ આપવા માટે વડા પ્રધાન અને ભાજપ દ્વારા મોદી મેરા પરિવાર ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. ભાજપના કેટલાક નેતાઓએ વિકસિત ભારતના સંકલ્પને પૂરો કરવા માટે સૂચનો મગાવવામાં આવ્યા છે અને લોકોને એવો વિશ્ર્વાસ આપવામાં આવી રહ્યો છે કે તેઓ ભારતને નવી ઊંચાઈ પર લઈ જશે.
વડા પ્રધાને નાગરિકોને મારા પ્યારા પરિવારજનો તરીકે સંબોધતાં કહ્યું હતું કે વિશ્ર્વાસ અને ટેકાનો એક દાયકો પૂરો કરવા જઈ રહ્યા છે. 140 કરોડ લોકોનું સમર્થન તેમને પ્રેરણા આપે છે અને પ્રોત્સાહિત કરે છે.
લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન જોેવા મળ્યું તે 10 વર્ષના સરકારના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધી છે. ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓના જીવનધોરણમાં સુધારો કરવાના સરકારના પ્રયાસોનું આ પરિણામ જોવા મળી રહ્યું છે.
મને વિશ્ર્વાસ છે કે આપણે ભેગા મળીને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જશું, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઈ)