
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનના વિદાય સમારંભમાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) બીઆર ગવઇએ ન્યાયિક પરંપરોથી આગળ વધીને સાર્વજનિક રૂપથી પોતાના ચુકાદા પર ટિપ્પણી કરી હતી. રવિવારે નિવૃત્ત થઈ રહેલા CJI ગવઈએ તેમનો સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણય “બુલડોઝર ન્યાય” (Bulldozer Justice) વિરુદ્ધ આપેલા ચુકાદાને ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમણે પોતાના તમામ ચુકાદાઓ પૂરા કરી દીધા છે અને હવે તેમની પાસે કોઈ ન્યાયિક કાર્ય બાકી રહ્યું નથી, તેથી તેમણે જાહેરમાં ટિપ્પણી કરવામાં સહેજ પણ સંકોચ કર્યો નહીં.
CJI ગવઈએ બુલડોઝર જસ્ટિસ વિરુદ્ધના તેમના નિર્ણયને સૌથી મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો અને તેને કાયદાના શાસનના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ ગણાવ્યો હતો. તેમણે કહ્યું, “બુલડોઝર ન્યાય કાયદાના શાસનના મૂળભૂત સિદ્ધાંતની વિરુદ્ધ છે. કોઈ વ્યક્તિ પર ગુનો કરવાનો આરોપ લાગે કે તે દોષિત ઠરે, માત્ર તેના કારણે ઘરને કેવી રીતે તોડી શકાય? તેના પરિવાર અને માતા-પિતાનો શું વાંક? આશ્રયનો અધિકાર એ એક મૂળભૂત અધિકાર છે.”
આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટ જેટલી અનુશાસનહીન કોર્ટ ક્યારેય જોઈ નથી, કઇ વાત પર ભડક્યા CJI
CJI ગવઈએ ભારતમાં ન્યાયપાલિકા કાયદાના શાસનની કેવી રીતે રક્ષા કરે છે તે ઉજાગર કરવા માટે વિદેશોમાં આપેલા તેમના ભાષણોમાં પણ આ નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદામાં કહ્યું હતું કે કાર્યપાલિકા એકસાથે જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા ભજવી શકે નહીં.
CJI ગવઈએ કહ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટના CJI-કેન્દ્રિત હોવાની પરંપરાગત ધારણાથી પોતાને દૂર રાખ્યા અને સંસ્થાને લગતા નિર્ણયો લેતા પહેલા હંમેશા તેમના તમામ સહકર્મીઓ સાથે સલાહ લીધી હતી. તેમણે પોતાના ટૂંકા કાર્યકાળ દરમિયાન ઉચ્ચ ન્યાયાલયોમાં 107 ન્યાયાધીશોની નિમણૂકનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કોલેજિયમની બેઠકોમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ માટે તેમના સહયોગીઓનો આભાર માન્યો હતો.



