કેનેરા બેંકના મેનેજરે કેન્ટિનમાં બીફ પર બેન મૂક્યો તો કર્મચારીઓએ આ રીતે કર્યું પ્રોટેસ્ટ…

અર્નાકુલમઃ કેરળના અર્નાકુલમમાં બેંકની કેન્ટિનમાં બીફ પર બેન મૂકવાનું મેનેજરને ભારે પડ્યું છે. અહીંની કેનેરા બેંકની બ્રાન્ચના નવા મેનેજરે નાનકડી એવી કેન્ટિનમાં બીફની વસ્તુઓ બનાવવા પર બેન મૂકતા અહીંનો સ્ટાફ વિફર્યો હતો અને તેમણે બેંક કેન્ટિનમાં બીફ ફેસ્ટિવલનું આયોજન કરી નાખ્યું હતું.
Bank Employees Federation of Indiaએ આ મેનેજરની વર્તણૂકથી પણ નારાજગી દર્શાવી હતી અને તે માટે વિરોધ પ્રદર્શન કરવા આવ્યા હતા, પરંતુ બીફનો મુદ્દો ગરમાતા તેમણે બિફ ફેસ્ટિવલનું જ આયોજન કરી નાખ્યું હતું. મૂળ બિહારના મેનેજરે કેન્ટિનમાં બીફમાંથી બનતી વાનગીઓ ન બનાવવાનો આદેશ આપ્યો હતો.
ફેડરેશને જણાવ્યું હતું કે ભારતીય બંધારણમાં દરેકને પોતપોતાની ઈચ્છા પ્રમાણે ખાવાની છૂટ છે. અમે બીજા કોઈને ખાવા માટે દબાણ કરતા નથી. બીફ ઘણા ઓછા દિવસોમાં સર્વ કરવામાં આવે છે. કેન્ટિન બંધારણના નિયમો અનુસાર ચાલે છે.
અહીંના સ્થાનિક વિધાનસભ્યએ સોશિયલ મીડિયા પર આ પ્રોટેસ્ટના વખાણ કરતા જણાવ્યું છે કે તમારે શું પહેરવું, શું ખાવું અને શું વિચારવું એ તમારા સિનિયર નક્કી કરી શકે નહીં. કર્મચારીઓ જે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા તેમણે ઓફિસની બહાર પરોઠા અને બીફ ડિસ્ટ્રિીબ્યુટ કર્યું હતું.
જોકે આ પહેલીવાર નથી કે આવી રીતે બીફ ફેસ્ટિવલ યોજી કેરળે પ્રોટેસ્ટ કર્યું હોય. 2017માં જ્યારે મોદી સરકારે ગૌહત્યાનો કાયદો બનાવ્યો ત્યારે પણ કેરળની બજારોમાં બીફ ફેસ્ટિવલ યોજી વિરોધ થયો હતો.
આ પણ વાંચો…ટાર્ગેટ પૂરો ન કરી શકતા કર્મચારીઓ પર બંધન અને કેનેરા બેંકના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર