ગામમાં યોજાયો કુસ્તીનો કાર્યક્રમ, અચાનક આવી ચડ્યું મધમાધીઓનું ટોળું અને પછી જે થયું…
કરાડઃ કુસ્તી માટે સજ્જ થઈ રહેલાં પહેલવાનો અને કુસ્તી જોવા આવેલા સેંકડો દર્શકો પર અચાનક જ મધમાખીઓ પર હુમલો કરતાં પહેલવાલો સહિત 15 જણ જખ્મી થયા છે. પાટણ તાલુકાના સણબુર ગામમાં આ ઘટના બની હતી. આ ઘટના બાદ અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો અને એમાં મચી ગયેલી નાસભાગમાં અમુક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી રહી છે.
પાટણ તાલુકામાં આવેલા સણબુર ગામના ગ્રામ દૈવત વિઠલાઈ દેવીની યાત્રા નિમિત્તે એક ખેતરમાં કુસ્તીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે રાજ્યભરમાંથી અનેક પહેલવાનો અહીં આવ્યા હતા. પરંતુ એ દરમિયાન અચાનક જ મધમાખીએ હુમલો કર્યો હતો. એક સાથે હજારોની સંખ્યામાં મધમાખીઓએ હુમલો કરતાં આ ઘટનામાં પહેલવાનો સહિત 15 લોકોને ઈજા પહોંચી હતી.
મધમાખીઓના આ અણધાર્યા હુમલાને કારણે મેદાન પર હાજર દર્શકો, પહેલવાનોમાં નાસભાગ મચી ગઈ અને આ નાસભાગમાં પણ કેટલાક લોકોને નાની મોટી ઈજા પહોંચી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પણ ગામવાસીઓ દ્વારા આપવામાં આવી હતી.