BBC Documentary: દિલ્હી HCના ન્યાયાધીશ બીબીસી સામેના કેસની સુનાવણીમાંથી ખસી ગયા
નવી દિલ્હી: ગત વર્ષે BBCએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આરોપ લગાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ઇન્ડિયા: ધ મોડી ક્વેશ્ચન’(India: The Modi Question) રીલીઝ કરી હતી, ત્યાર બાદ વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. આ ડોક્યુમેન્ટરી(Documentary) ને કારણે ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચ્યું હોવાના આરોપ સાથે BBC સામે બદનક્ષીભર્યાનો કેસ કરવામાં આવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટ(Delhi HC)ના જજે આ કેસની સુનાવણીમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે.
ન્યાયાધીશ અનુપ જયરામ ભંભાણીની સિંગલ જજની બેન્ચે આ મામલાની સુનાવણીથી પોતાને અલગ કરી દીધા. આ મામલો તેમની સામે આવતાની સાથે જ જસ્ટિસ ભંભાણીએ કહ્યું કે દિલ્હી હાઈકોર્ટના ઈન્ચાર્જ જજના આદેશ હેઠળ આ કેસ અન્ય કેટલાક જજ સમક્ષ લિસ્ટ કરવામાં આવશે.
જસ્ટીસ ઓન ટ્રાયલ નામના ગુજરાત સ્થિત NGOએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને દલીલ કરી છે કે બીબીસીની બે ભાગની ડોક્યુમેન્ટરી ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન દેશના ન્યાયતંત્રની સાથે સાથે વડાપ્રધાનની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચી છે. NGOએ બીબીસી પાસેથી 10,000 કરોડ રૂપિયાના નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે.
BBCએ જાન્યુઆરી 2023માં ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ શીર્ષક હેઠળ બે ભાગમાં ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બહાર પાડી હતી. જેમાં ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત રમખાણોમાં તેમની કથિત ભૂમિકા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં આ હિંસા પૂર્વ આયોજિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ભાજપે ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં કરવામાં આવેલા દવાને સંપૂર્ણ પણે નકારી કાઢ્યા હતા.
ડોક્યુમેન્ટરી રિલીઝ થયાના એક મહિના પછી, 14 ફેબ્રુઆરી, 2023 ના રોજ, આવકવેરા વિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસની તપાસ કરી હતી. આ કાર્યવાહી લગભગ 60 કલાક સુધી ચાલી હતી. આ પછી, 13 એપ્રિલે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ BBC વિરુદ્ધ વિદેશી રોકાણ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેસ નોંધ્યો હતો.