બરેલવી ઉલમાએ કહ્યું કે સરકાર ધ્યાન આપે નહીં તો 22 જાન્યુઆરીએ કેટલાક મુસલમાનો….
ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે ત્યારે આ બાબતને લઈને કેટલાક મુસ્લિમ નેતાઓ અને મુસ્લિમ પર્સનલ લો બોર્ડ મુસ્લિમોને ડરાવવામાં અને ઉકસાવવાનું કામ કરી રહ્યા છે.
તેમજ સમાજવાદી પાર્ટીના નેતાઓ પણ મુસ્લિમોને ઉશ્કેરી રહ્યા છે. મૌલાનાએ એમ પણ કહ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે જે યાત્રા કાઢવાની છે તેમાં આ અસામાજિક તત્વો લોકોમાં ડર પેદા કરી શકે છે. ત્યારે સરકારે આ બાબતે ધ્યાન આપવું જોઈએ.
મૌલાના શહાબુદ્દીન રઝવીએ કહ્યું હતું કે જ્યારથી રામ મંદિરના ઉદ્ઘાટનની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી કેટલાક મુસ્લિમ નેતાઓ રામ મંદિરના નામ પર મુસ્લિમોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુડીએફના મૌલાના બદરુદ્દીન અજમલ, એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી, જમિયત ઉલામા હિંદના મૌલાના મહમૂદ મદની, સપાના નેતા ડો. શફીકર રહેમાન બર્ક અને ડો. એસટી હસન રામ મંદિરને સતત રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે.
મૌલાનાએ એમ પણ કહ્યું હતું કે રામ મંદિરના નામે મુસ્લિમોને ડરાવવામાં આવી રહ્યા છે અને ધમકીઓ આપવામાં આવી રહી છે. કેટલાક નેતાઓ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આવું થશે તો ભારતમાં સ્થિતિ વધુ ખરાબ થશે. આવા તમામ નિવેદનોએ મુસ્લિમોના મનમાં ભય અને આતંક જગાવ્યો છે. શહાબુદ્દીન રઝવીએ કહ્યું હતું કે આવા નિવેદનો પર ધ્યાન ન આપો. કોઈનાથી ડરવાની કે લડવાની જરૂર નથી.
બોર્ડ દ્વારા જારી કરાયેલા પત્ર અંગે મૌલાનાએ એમ પણ કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તેના વાસ્તવિક હેતુથી ભટકી ગયું છે. બોર્ડનું કામ સંપૂર્ણપણે ધાર્મિક અને શરિયત બાબતોમાં મુસ્લિમોને માર્ગદર્શન આપવાનું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી એવું જોવા મળ્યું છે કે તે કામ કરવાને બદલે રાજકીય બાબતોમાં રસ વધારે લે છે. આ ઉપરાંત જ્યારે પણ લોકસભાની ચૂંટણી નજીક આવે છે ત્યારે બોર્ડ કોઈને કોઈ રાજકીય મુદ્દે સક્રિય થઈ જાય છે.
મૌલાનાએ કેન્દ્ર અને રાજ્ય સરકારનું ધ્યાન દોરતા જણાવ્યું હતું કે પ્રભુ રામના આગમનને દિવસે નાના નાના ગામડાંઓથી લઈને મોટા શહેરોમાં સરકારે ખાસ ધ્યાન રાખવું પડશે નહિતો આ અસામાજિક તત્વો કોઈ પણ જગ્યાએ શાંતિ ડહોળી શકે છે.