બાર કાઉન્સિલે ભારતમાં વિદેશી એડવોકેટને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી

નવી દિલ્હી: ભારતની અદાલતોમાં હવે વિદેશી એડવોકેટ અને લૉ -ફર્મ પ્રેકિટસ કરી શકશે. આ અંગે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નિયમોમાં સુધારા કર્યા છે. આ ફેરફારનો હેતુ ભારતમાં વિદેશી અને આંતરરાષ્ટ્રીય કાયદાની પ્રેક્ટિસને સરળ બનાવવા માટે એક માળખું બનાવવાનો છે.
સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા પછી અમલમાં આવશે
આ નવા નિયમો બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા રૂલ્સ ફોર રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન ઓફ ફોરેન લોયર્સ એન્ડ ફોરેન લોયર્સ ઇન ઈન્ડિયા, 2022 હેઠળ આવે છે. જે શરૂઆતમાં 10 માર્ચ, 2023 ના રોજ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. આ સુધારેલા નિયમો હેઠળ વિદેશી એડવોકેટને પ્રેક્ટિસની મંજૂરી આપી છે.આ સુધારેલા નિયમો સત્તાવાર ગેઝેટમાં પ્રકાશિત થયા પછી તરત જ અમલમાં આવશે.
પારસ્પરિકતાના આધાર પર પ્રેક્ટિસનો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે, એડવોકેટ્સ એક્ટ 1961ની કલમ 47 પારસ્પરિકતાના આધાર પર પ્રેક્ટિસનો ઉલ્લેખ છે. જે મુજબ વિદેશી વકીલો ભારતમાં ફક્ત ત્યારે જ પ્રેક્ટિસ કરી શકે છે. જ્યારે તેમના સંબંધિત દેશ ભારતના વકીલોને ત્યાં સમાન શરતો પર પ્રેક્ટિસ કરવાની પરવાનગી આપે.
ભારતીય વકીલો વૈશ્વિક પ્રેક્ટિસને વિસ્તૃત કરી શકશે
બાર કાઉન્સિલના જણાવ્યા અનુસાર ભારતીય એડવોકેટ અને કંપનીઓ તેમની સ્થાનિક પ્રેક્ટિસ છોડયા વિના તેમની વૈશ્વિક પ્રેક્ટિસને વિસ્તૃત કરવા માટે અન્ય દેશોમાં વિદેશી એડવોકેટ અથવા વિદેશી કાયદા કંપનીઓ તરીકે નોંધણી કરાવી શકે છે. બાર કાઉન્સિલે સ્પષ્ટતા કરી છે કે વિદેશી કંપનીઓ અથવા વિદેશી વકીલોને ભારતમાં થઈ રહેલા આંતરરાષ્ટ્રીય વાણિજ્યિક મધ્યસ્થીમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. જ્યાં સુધી તેમાં વિદેશી કાયદા/આંતરરાષ્ટ્રીય કાયદાનો કોઈ તત્વ સામેલ હોય.