અમદાવાદ

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે રવિવારે યોજાશે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત

અમદાવાદ: સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા બી. એ. પી. એસ. (BAPS)નું નામ વિશ્વ વિખ્યાત બન્યું છે. BAPSને વિશ્વ વિખ્યાત બનાવવાનો શ્રેય તેના પૂર્વ આધ્યાત્મિક અધ્યક્ષ પ્રમુખસ્વામી મહારાજને જાય છે. 21 મે, 1950ના તેઓને BAPSના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. આ ઘટનાને તાજેતરમાં 75 વર્ષ પૂર્ણ થયા છે, તેથી BAPS 7 ડિસેમ્બર, 2025ને રવિવારના અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવા જઈ રહ્યું છે.

મહાનુભવોની હાજરીમાં યોજાશે કાર્યક્રમ

7 ડિસેમ્બરના રોજ પ્રમુખસ્વામી મહારાજના 104મા જન્મદિનના અવસરે યોજાનાર ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની ઉજવણી કરનવામાં આવશે. આ ભવ્ય અવસરે BAPSના વર્તમાન આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ ઉપસ્થિત રહેશે. સાથોસાથ ભારતના કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાતના ગૃહ પ્રધાન હર્ષભાઈ સંઘવી સહિત અનેક નેતાઓ અને મહાનુભાવો પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે.

સાબરમતી નદીમાં જોવા મળશે વિશેષ આકર્ષણો

અમદાવાદના રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 7 ડિસેમ્બરની સાંજે 5.30 થી 8.30 દરમિયાન ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’નો મુખ્ય સમારોહ યોજાશે. જેમાં પ્રમુખસ્વામી મહારાજના માનવસેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી કાર્યો અને દિવ્ય ગુણોને એક વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ભાવાંજલિ અર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના ભાગરૂપે અટલ બ્રિજ નજીક સાબરમતી નદીના જળમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને ગુણોની સ્મૃતિ કરાવતાં અનેક સુંદર રીતે સજાવેલા અલંકૃત ફ્લોટસ પણ (તરતા મંચો) જોવા મળશે.

‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ કાર્યક્રમને લઈને છેલ્લા બે મહિનાથી 20 જેટલા સેવાવિભાગોના 5500 સ્વયંસેવકો આ આયોજન માટે સેવારત છે. જોકે, બેઠક વ્યવસ્થાની ક્ષમતા આરક્ષિત થઈ ચૂકી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો આસ્થા ભજન ચેનલ, live.baps.org અને અન્ય પ્રસાર માધ્યમો દ્વારા પોતાના ઘરે બેઠાં પણ આ અભૂતપૂર્વ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી શકશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button