બાંકે બિહારી મંદિરનો 'તોષખાના' 54 વર્ષ પછી ખોલાયો: શું મળ્યું અને શું થયો વિવાદ? | મુંબઈ સમાચાર
નેશનલ

બાંકે બિહારી મંદિરનો ‘તોષખાના’ 54 વર્ષ પછી ખોલાયો: શું મળ્યું અને શું થયો વિવાદ?

મથુરા: મથુરા સ્થિત બાંકે બિહારી મંદિરનો ખજાનો સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ઉચ્ચ સ્તરિય સમિતિના આદેશથી શનિવારે ખોલવામાં આવ્યો હતો. ‘તોષખાના’એ મંદિરના ગર્ભગૃહની બાજુમાં આવેલો એક ઓરડો છે. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2025ના પોતાના આદેશમાં મંદિરના રોજિંદા કામકાજની દેખરેખ માટે અલાહાબાદ હાઈ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ અશોક કુમારની અધ્યક્ષતામાં 12 સભ્યોની વચગાળાની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી હતી.

એડીએમ (નાણા અને મહેસૂલ) ડોક્ટર પંકજ કુમાર વર્માએ કહ્યું હતું કે “સિવિલ જજ જૂનિયર ડિવિઝનની દેખરેખ હેઠળ ચાર ગોસ્વામી સભ્યો સહિત અન્ય સભ્યો સાથે રૂમ ખોલવામાં આવ્યો હતો. રૂમ ખોલવામાં થોડી મુશ્કેલી પડી હતી. પ્રક્રિયા બપોરે 1 વાગ્યે શરૂ થઈ અને સાંજે 5 વાગ્યે પૂર્ણ થઈ છે. રૂમ ફરીથી સીલ કરવામાં આવ્યો છે. કેટલાક પિત્તળના વાસણો અને લાકડાની વસ્તુઓ મળી આવી અને કોઈ કિંમતી ધાતુ મળી આવી નહોતી. કેટલાક લાકડાના બોક્સ પણ મળી આવ્યા છે.

આ પણ વાંચો: ધન તેરસના દિવસે ખુલ્યા બાંકે બિહારી મંદિરના ખજાના કપાટ, 160 વર્ષ જુનો ખજાનો મળવાની આશંકા…

એડીએમએ કહ્યુ હતું કે મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, બાકીનું કામ પૂર્ણ કરવા માટે સિવિલ જજ જૂનિયર ડિવિઝન દ્વારા નક્કી કરાયેલી આગામી તારીખે રૂમ ખોલવામાં આવી શકે છે. ઓડિટરની ટીમે રૂમમાંથી મળી આવેલી વસ્તુઓની યાદી બનાવી છે.

ગોસ્વામી સમુદાય આ પગલાનો વિરોધ કરી રહ્યો હતો. ઉચ્ચસ્તરીય સમિતિના એક સભ્ય શૈલેન્દ્ર ગોસ્વામીએ કહ્યું હતું કે રૂમ શરૂઆતમાં જ ખોલવો જોઈતો ન હતો. મેં આ પગલાનો વિરોધ કર્યો છે અને પત્રો પણ લખ્યા છે. આ એક વચગાળાની સમિતિ છે, કાયમી સમિતિ નથી. સુપ્રીમ કોર્ટે ફક્ત ભક્તોને ‘દર્શન’ની સુવિધા સુનિશ્ચિત કરવા માટે તેની રચના કરી છે. સમિતિએ અન્યત્ર દખલ ન કરવી જોઈએ. તેઓ અનુચિત લાભ લઈ રહ્યા છે અને સત્તા છીનવી રહ્યા છે. તેઓ રૂમ શા માટે ખોલી રહ્યા છે અને તેઓ શું સાબિત કરવા માંગે છે?”

આ પણ વાંચો: વૃંદાવનના બાંકે બિહારી મંદિરનો વહીવટ હવે નિવૃત્ત જજ સંભાળશેઃ સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય

પોતાની ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટના વકીલ અને મંદિર સેવાયત (સેવક) સુમિત ગોસ્વામીએ કહ્યું હતું કે આ વચગાળાની સમિતિને ‘તોષખાના’ ખોલવાની સત્તા આપવામાં આવી ન હતી. તેમને ભક્તોની ચિંતાઓનું ધ્યાન રાખવાનું હતું અને શ્રી બાંકે બિહારી ઠાકુરના ‘દર્શન’ની સરળતા સુનિશ્ચિત કરવાની હતી. વધુમાં પ્રક્રિયાનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું ન હતું. જોકે, શૈલેન્દ્ર ગોસ્વામીએ કહ્યું હતું કે વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. સમિતિના એક ગોસ્વામી સભ્ય શ્રીવર્ધન ગોસ્વામી સ્વાસ્થ્યના કારણોસર હાજર રહ્યા નહોતા.

બાંકે બિહારી મંદિરના કાર્યકર્તા જ્ઞાનેન્દ્ર ગોસ્વામીએ રૂમ ખોલવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ પ્રક્રિયા વધુ પારદર્શક રીતે હાથ ધરવામાં આવવી જોઈતી હતી. તેમણે એમ પણ પૂછ્યું હતું કે મીડિયાને શા માટે મંજૂરી આપવામાં આવી ન હતી. સમિતિએ તેની રચના દરમિયાન માનનીય સર્વોચ્ચ અદાલત દ્વારા નક્કી કરાયેલ મુખ્ય ઉદ્દેશ્ય, એટલે કે ભક્તો માટે સુવિધાને અપગ્રેડ કરવાનું, ભૂલી ગઈ હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button