નેશનલ

બેંગલુરુમાં ફ્રિજમાં ટુકડાઓમાં પેક કરેલી લાશ, બેંગલુરુમાં ‘શ્રદ્ધા વૉકર જેવો હત્યાકાંડ’

દિલ્હીના શ્રદ્ધા વોકર મર્ડર કેસ લોકોને આજે પણ યાદ છે. 27 વર્ષની શ્રદ્ધાની તેના 28 વર્ષના પ્રેમી અને લિવ-ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ 18 મે 2022ના રોજ હત્યા કરી હતી. આ પછી, શ્રદ્ધાના મૃતદેહના નિકાલ માટે તેણે જે પદ્ધતિ અપનાવી તે જાણીને માત્ર પોલીસ જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સનસનાટી મચી ગઇ હતી. તેવી જ રીતે હવે બેંગલુરુમાં હત્યાનો એક એવો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને કોઈપણ સામાન્ય માણસ ચોંકી જશે.

બેંગલુરુના વ્યાલીકાવલ વિસ્તારમાં 6 ક્રોસ પાઇપ લાઇન રોડ પર આવેલી ત્રણ માળની ઇમારતના એક ફ્લેટમાં 165 લીટર મોડેલનું સિંગલ ડોર રેફ્રિજરેટર રાખવામાં આવ્યું હતું. આ ફ્લેટમાં 29 વર્ષીય મહાલક્ષ્મીની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી . મહાલક્ષ્મીના શરીરના અનેક ટુકડા કરી તેના ઘરના રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા.

29 વર્ષની મહાલક્ષ્મીના મૃતદેહના લગભગ 30 થી 40 ટુકડાઓ એક જ ફ્રીજમાં 19 દિવસ સુધી રાખવામાં આવ્યા હતા. 30 થી 40 ટુકડાઓ કારણ કે ઘણા ટુકડાઓ ફ્રિજની બહાર અને તે રૂમના ફ્લોર પર પણ વેરવિખેર હતા. બેંગલુરુ પોલીસને પોતે યાદ નથી કે તેઓએ ક્યારેય આવું ભયાનક અથવા આઘાતજનક દ્રશ્ય જોયું હોય. હત્યાની નિર્દયતાએ સૌને ચોંકાવી દીધા હતા. પુરાવા રૂમમાં એ રીતે વેરવિખેર કરવામાં આવ્યા હતા કે બેંગલુરુની ફોરેન્સિક ટીમે પણ તેને એકત્રિત કરવા માટે સરકારી હોસ્પિટલના મેડિકલ સ્ટાફને બોલાવવો પડ્યો હતો. પોલીસ પણ આવું આઘાતજનક દ્રષ્ય જોઇને ચોંકી ગઇ હતી.

મહાલક્ષ્મી અહીં પાંચ મહિનાથી ભાડા પર રહેતી હતી , લગભગ 19 દિવસ પછી આ રૂમનો દરવાજો ગત શનિવારે એટલે કે 21 સપ્ટેમ્બરે બપોરે 3.30 વાગ્યે ખોલવામાં આવ્યો હતો. મહાલક્ષ્મી પાંચ મહિના પહેલા જ તે બિલ્ડિંગના પહેલા માળે ભાડુઆત તરીકે રહેવા આવી હતી. નેપાળની રહેવાસી મહાલક્ષ્મી ત્યાં એકલી રહેતી હતી. પાડોશીઓ પણ તેને ઓળખતા ન હતા. કારણ એ હતું કે દરરોજ તે સવારે 9:30 વાગે ઘરેથી નીકળી જતી અને રાત્રે 10:30 પછી જ ઘરે પરત આવતી. મહાલક્ષ્મીની માતા અને બહેન બેંગલુરુમાં રહે છે. મહાલક્ષ્મીની માતાના જણાવ્યા અનુસાર તેણે તેની પુત્રી સાથે છેલ્લી વખત ફોન પર 2 સપ્ટેમ્બરે વાત કરી હતી, જ્યારે મહાલક્ષ્મીએ કહ્યું હતું કે તે જલ્દી જ તેના પતિને મળવા જશે. આ પછી તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.

દરમિયાન 20 સપ્ટેમ્બરના રોજ કેટલાક પડોશીઓએ મકાનના માલિકને ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે મહાલક્ષ્મીના બંધ ઘરની અંદરથી બહુ જ દુર્ગંધ આવી રહી છે. ભાડા કરાર સમયે, મહાલક્ષ્મીએ ઈમરજન્સી કોન્ટેક્ટ તરીકે બેંગલુરુમાં રહેતી તેની માતા અને બહેનના સરનામા અને ફોન નંબર આપ્યા હતા. મકાનમાલિકે મહાલક્ષ્મીની માતાને બોલાવી અને મહાલક્ષ્મીના ઘરમાંથી આવતી દુર્ગંધ વિશે જાણ કરી. છેલ્લા 19 દિવસથી માતાની મહાલક્ષ્મી સાથે વાત થઇ ન હતી.

મકાનમાલિકની વાત સાંભળીને તે ડરી ગઈ. તે તરત જ ચાવી લઈને તેની બીજી દીકરી સાથે મહાલક્ષ્મી સાથે ઘરે પહોંચી ગઈ.
મકાન માલિક અને પડોશીઓની હાજરીમાં જ્યારે ઘરનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અંદરની દુર્ગંધ અને ભયાનક દ્રશ્ય જોઇ બધા ચીસ પાડી ઉઠ્યા. ફ્લોર પર સર્વત્ર લોહીના ડાઘા હતા. માંસના નાના ટુકડા અહીં-ત્યાં પડ્યા હતા. અને લોહીની સુકાઈ ગયેલી લાઈન રૂમમાં ફ્રિજ તરફ દોરી જતી હતી.

તરત જ પોલીસને બોલાવવામાં આવી. પોલીસે આવીને ફ્રિજનો દરવાજો ખોલતા જ ભયાનક મંજર જોવા મળ્યો. ફ્રિજના સૌથી ઉપરના કમ્પાર્ટમેન્ટમાં બે માનવ પગ રાખવામાં આવ્યા હતા. વચ્ચેના ખાનામાં માનવ શરીરના જુદા જુદા ભાગો રાખવામાં આવ્યા હતા અને સૌથી નીચેના ખાનામાં મહાલક્ષ્મીનું માથું રાખવામાં આવ્યું હતું.
હવે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને સીન ઓફ ક્રાઈમ ઓફિસર્સ એટલે કે ‘SOCO’ને ઘટનાસ્થળે બોલાવવામાં આવ્યા હતા. સોકો માટે પણ ગુનાના સ્થળેથી પુરાવા એકત્રિત કરવા અત્યંત મુશ્કેલ હતા.

તેથી સોકોની ટીમે મદદ માટે બોરિંગ હોસ્પિટલના મોર્ચ્યુરી સ્ટાફને બોલાવ્યા. શબગૃહનો સ્ટાફ આવ્યા બાદ ફ્રિજમાંથી ફર્શ પર વેરવિખેર પડેલા મૃતદેહોના 30-40 ટુકડા એકઠા કરી મોર્ગમાં મોકલવામાં આવ્યા.

પોલીસે હવે હત્યાની તપાસ કરતા તેમને પલંગ પરથી મહાલક્ષ્મીનો મોબાઈલ મળી આવ્યો. જ્યારે મોબાઈલનો કોલ ડિટેઈલ રેકોર્ડ ચેક કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ ફોન પરથી છેલ્લો કોલ 2જી સપ્ટેમ્બરે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ ફોન પરથી ન તો કોઈ કોલ આવ્યો કે ન તો કોઈનો કોલ રિસીવ કરવામાં આવ્યો. આના પરથી બેંગલુરુ પોલીસે અનુમાન લગાવ્યું કે મહાલક્ષ્મીની હત્યા 2જીથી 3જી સપ્ટેમ્બર વચ્ચે કરવામાં આવી હતી. હવે સવાલ એ હતો કે મહાલક્ષ્મીની આટલી ક્રૂરતાથી કોઈએ હત્યા કેમ કરી? છેવટે, તેની સાથે કોઈને કઈ દુશ્મની હતી? એ ખૂની કોણ હતો? બેંગલુરુ પોલીસે કેસની તપાસ શરૂ કરી છે.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે તેના લગ્ન 2019માં નેપાળમાં હેમંત દાસ સાથએ થયા હતા. ત્યાર બાદ સારી નોકરીની આશામા તેઓ બેંગ્લોર આવીને વસ્યા હતા. 2023 સુધી બંને વચ્ચે સારુ ચાલ્યું. બંનેની દીકરી પણ હતી. 2023માં મહાલક્ષ્મીની ઉત્તરાખંડના કોઇ હેર ડ્રેસર સાથે શંકાના પગલે હેમંત અને મહાલક્ષ્મી અલગ થઈ ગયા. પુત્રી હેમંતદાસ સાથે રહેતી હતી. જ્યારે મહાલક્ષ્મી પાંચ મહિનાથી વ્યાલિકવાલ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતી હતી.

પોલીસે મહાલક્ષ્મીના પતિ હેમંત દાસ અને હેર ડ્રેસરની પૂછપરછ કરી લીધી છે, પણ તેમને જાણવા મળ્યું છે કે મહાલક્ષ્મીની હત્યામાં બંનેની કોઈ ભૂમિકા જ ન હતી. 2 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધીના બંનેના મોબાઈલ લોકેશન અને કોલ ડિટેઈલ રેકોર્ડમાં કંઇ શંકાસ્પદ મળ્યું નથી. પોલીસ પણ ગુંચવાઇ છે કે મહાલક્ષ્મીનો ખૂની કોણ છે? કોણે તેની આટલી નિર્દયતાથી હત્યા કરી અને શરીરના અંગો ફ્રિજમાં ભરી દીધા?

મહાલક્ષ્મી પડોશના લોકો સાથે ભળતી નહોતી કે વાત પણ કરતી ન હતી. તે સવારે 9:30 વાગે કામ પર જતી અને રાત્રે 10:30 પછી ઘરે પરત આવતી. પડોશીઓએ ઘણી વખત કોઈ અજાણી વ્યક્તિને મહાલક્ષ્મીને તેના ઘર પાસે પીક અપ અને ડ્રોપ કરતા જોઈ હતી. પરંતુ તે વ્યક્તિ કોણ હતી તે કોઈ જાણતું નથી. બેંગલુરુ પોલીસના જણાવ્યા અનુસાર મહાલક્ષ્મીનો હત્યારો એ જ અજાણી વ્યક્તિ હોઈ શકે છે.

પોલીસના કહેવા પ્રમાણે, તેમની પાસે તે અજાણી વ્યક્તિ વિશે માહિતી છે. તેઓ તેનું નામ પણ જાણે છે. એવું પણ જાણવા મળે છે કે મહાલક્ષ્મીની હત્યા બાદ તે ભુવનેશ્વર થઈને પશ્ચિમ બંગાળ ગયો હતો. પોલીસ અત્યારે તેનું નામ જાહેર કરવા માંગતી નથી જેથી તેઓ એલર્ટ ન થઈ જાય. પરંતુ બેંગલુરુ પોલીસના જણાવ્યા અનુસાર, એકવાર તે વ્યક્તિ પકડાઈ જશે તો તમામ સવાલોના જવાબ મળી જશે. પોલીસની થિયરી પણ સજ્જડ છે.

બીજી સપ્ટેમ્બરથી મહાલક્ષ્મી ગુમ હતી. તેના ઘરે કોઇ આવ્યું ગયું નથી. તેના ઘરમાંથી કોઇ અવાજ પણ આવ્યો નથી. પોલીસનું માનવું છે કે મહાલક્ષ્મીની હત્યા આ જ રૂમમાં કરવામાં આવી હતી, કારણ કે મૃતદેહને પહેલા માળે લઈ જવો શક્ય નથી. સંભવ છે કે હત્યા પહેલા મહાલક્ષ્મીને કોઈ એનેસ્થેટિક અથવા ઊંઘની ગોળીઓ આપવામાં આવી હશે અને તેથી જ ઘરમાંથી કોઈ અવાજ આવ્યો નથી.

જે રીતે મૃતદેહના ટુકડા કરવામાં આવ્યા હતા તે જોઈને ખાતરી થતી હતી કે હત્યારાને કોઈ ઉતાવળ નહોતી. હત્યારાએ શાંતિથી ઘરની અંદર શરીરના ટુકડા કરી નાખ્યા. હત્યા પછી પણ, તે ઘણા કલાકો અથવા કદાચ આખી રાત ત્યાં જ રહ્યો હતો. જોકે, તેને કોઈએ જતો જોયો ન હતો, એ આશ્ચર્યની વાત છે. પોલીસ હાલમાં આ વિસ્તારના તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરી રહી છે. પોલીસને શંકા છે તે મુજબ હત્યારો ભુવનેશ્વર થઈને પશ્ચિમ બંગાળ પહોંચ્યો છે, તો તેઓ
હત્યારાનું સાચું નામ અને ચહેરો ઓળખતા જ હશે, જે ટૂંક સમયમાં જ જાહેર થઇ શકે છે.

મહાલક્ષ્મી અને 2022ના શ્રદ્ધા વોકરની હત્યા કેસમાં ઘણું સામ્ય છે. બંનેની હત્યા કરીને લાશના ટૂકડા કરીને ફ્રીજમાં રાખવામા આવ્યા હતા. શ્રદ્ધાના હત્યારા આફતાબને શ્રદ્ધાના કોઈ અન્ય સાથેના સંબંધો અંગે શંકા હતી. મહાલક્ષ્મી કેસમાં તેના પતિ હેમંતને તેના પર અફેર હોવાની શંકા હતી. જોકે, મહાલક્ષ્મીના કેસમાં તેના પતિ હેમંત દાસને પોલીસે ક્લિન ચીટ આપી દીધી છે. તેથી અજાણી ખૂની વ્યક્તિ ક્યારે પકડાશે એ જોવાનું રહ્યું.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…