બાંગ્લાદેશી વિમાનનું નાગપુરમાં કરાયું ઈમર્જન્સી લેન્ડિંગ, ફ્લાઈટમાં 400 લોકો હતા સવાર

નાગપુરઃ બાંગ્લાદેશી એરલાઈન્સના વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. નાગપુર એરપોર્ટ પર વિમાનને ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનો કોલ મળ્યા પછી એરપોર્ટ પ્રશાસન સતર્ક થઈ ગયું હતું.
મળતી માહિતી અનુસાર બાંગ્લાદેશી વિમાનમાં ધુમાડો જોવા મળ્યા પછી નાગપુર એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાન બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દુબઈ માટે ઉડાન ભરી હતી. જોકે, અધવચ્ચે ફ્લાઈટનું ઈમર્જન્સીમાં લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.
નાગપુર એરપોર્ટના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે બુધવારે રાતના 10.45 વાગ્યાના સુમારે ટેક્નિકલ સમસ્યાને કારણે બાંગ્લાદેશી વિમાનનો રુટ બદલવામાં આવ્યો હતો અને ઈમર્જન્સીમાં નાગપુરમાં એરપોર્ટ પર લેન્ડિંગ કરવું પડ્યું હતું. તપાસ કરવામાં આવ્યા પછી ફ્લાઈટમાં ક્યાંય આગ લાગી નહીં હોવાનું જાણવા મળ્યું હતું.
બાંગ્લાદેશી વિમાનમાં ફાયર એલાર્મ પછી ઈમર્જન્સી લેન્ડિંગનો કોલ મળ્યો હતો, ત્યાર બાદ કંટ્રોલ સેન્ટરને માહિતી આપવામાં આવ્યા પછી ઓપરેશન સિસ્ટમને એલર્ટ કરવામાં આવી હતી. ફ્લાઈટને નાગપુરમાં લેન્ડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઢાકાથી દુબઈ જઈ રહેલા વિમાનમાં 396 પ્રવાસી હતા, જ્યારે 12 ક્રૂ હતા. ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યા પછી તમામ લોકોને સુરક્ષિત ઉતારવામાં આવ્યા હતા. સંપૂર્ણ પ્રોટોકોલ પ્રમાણે તપાસ કર્યા પછી પ્રવાસીઓને બાંગ્લાદેશના બીજા વિમાન મારફત દુબઈ લઈ જવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.