બાંગ્લાદેશી સમજી ગરીબોના ઝુંપડા તોડ્યા, હિંદુ રક્ષા દળના વડાની ધરપકડ
ગાઝિયાબાદ: બાંગ્લાદેશમાં થઇ રહેલી હિંસામાં (Bangladesh Violence) હિંદુ સમુદાય પર થઇ રહેલાના સમાચારોને કારણે ભારતમાં કેટલાક હિન્દુત્વવાદી સંગઠનો રોષે ભરાયા છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ (Gaziabad) જિલ્લામાં એક હિન્દુત્વવાદી સંગઠનના સભ્યોએ બાંગ્લાદેશી સમજીને આપણા દેશના જ ગરીબ નાગરિકો પર હુમલો કર્યો હતો.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હિંદુત્વવાદી સંગઠને રેલ્વે સ્ટેશનની નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પર હુમલો કર્યો હતો. ત્યાં રહેતા લોકોને બાંગ્લાદેશી ઘૂસણખોરો કહીને તેમના ઝુંપડામાં તોડ ફોડ કરી હતી. પોલીસે માહિતી આપી હતી કે આ કેસમાં હિન્દુ રક્ષા દળના પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી અને બાદલ ઉર્ફે હરિઓમ સિંહની શનિવારે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીઓએ શનિવારે જણવ્યું કે આ ઘટનાના સંબંધમાં હુમલો કરનાર સંગઠનના નેતા અને અન્ય લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે દાવો કર્યો છે કે જે લોકો પર હુમલો કરવામાં આવ્યો છે તેઓ બાંગ્લાદેશી નથી પરંતુ રાજ્યના જ રહેવાસી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હિંદુ રક્ષા દળના પ્રમુખ ભૂપેન્દ્ર ચૌધરી ‘પિંકી’ અને તેના 20 સમર્થકોએ શુક્રવારે ગુલધર રેલ્વે સ્ટેશન નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા કેટલાક લોકોને માર માર્યો, તેમને બાંગ્લાદેશી કહીને તેમની ઝૂંપડપટ્ટીમાં તોડફોડ કરી.
પોલીસે જણાવ્યું કે શુક્રવારે સાંજે લગભગ 7.30 વાગ્યે થયેલા આ હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ગાઝિયાબાદના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણવ્યું કે, ‘ઝૂંપડીઓમાં રહેતા લોકો બાંગ્લાદેશના નથી, પરંતુ શાહજહાંપુરના છે. પોલીસ આ કેસમાં હુમલાખોરો વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) લાગુ કરવાનું વિચારી રહી છે.’
પોલીસ અધિકારીએ જણાવ્યું કે હું અને મારી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ત્યાં જોયું કે ‘પિંકી’ અને તેના સમર્થકો બાંગ્લાદેશ વિરોધી નારા લગાવતા કેટલાક મુસ્લિમો સાથે દુર્વ્યવહાર અને હુમલો કરી રહ્યા હતા. ફરિયાદ અનુસાર, લોકોએ ઝૂંપડા પણ તોડી પાડ્યા. મેં તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ લોકો બાંગ્લાદેશના નથી, પરંતુ તેઓએ તેમને મારવાનું ચાલુ રાખ્યું અને તેમના ઝુંપડાને નુકસાન પહોંચાડ્યું.