Top Newsનેશનલ

ભારત બાદ બાંગ્લાદેશ યુએસ સાથે કરશે ‘સિક્રેટ ટ્રેડ ડીલ’! આ કારણે થઇ રહ્યો છે વિરોધ…

ઢાકા: બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીનાં રોજ રાષ્ટ્રીય ચૂંટણી યોજાવાની છે, આ પહેલા બાંગ્લાદેશ ભારત સાથે વેપાર કરાર કરી શકે છે. અહેવાલ મુજબ 9 ફેબ્રુઆરીના રોજ આ ડીલ કરવામાં આવી શકે છે. બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અહેવાલ મુજબ દેશના વાણિજ્ય સચિવ મહબુર રહેમાને કરાર અંગે પુષ્ટિ કરી છે. આ કરારની શરતો જાહેર કરવામાં નહીં આવે, જેને કારણે વિવાદ ઉભો થયો છે.

નોંધનીય છે કે તાજેતરમાં ભારત અને યુએસ વચ્ચે એક મહત્વનો વેપાર કરાર થયો હતો, જે હેઠળ યુએસએ ભારત પર લાદેલો રેસિપ્રોકલ ટેરીફ 25 ઘટાડીને 18 ટકા કર્યો છે. અહેવાલ મુજબ બાંગ્લાદેશની વચગાળાની સરકારને ડર છે કે યુએસ બજારોમાં તેનો હિસ્સો ઘટશે. બાંગ્લાદેશ યુએસમાં રેડીમેડ ગાર્મેન્ટ (RMG)ની મોટા પાયે નિકાસ કરે છે, બાંગ્લાદેશ યુએસમાં પોતાની નિકાસની હિસ્સો જાળવી રાખવા ઈચ્છે છે.

ટેરીફમાં વધુ રાહતની આશા:

એપ્રિલ 2025 માં યુસએ બાંગ્લાદેશ પર 37 ટકા લાદ્યો હતો, જુલાઈમાં ટેરિફ ઘટાડીને 35 ટકા કરવામાં આવ્યો, ત્યાર બાદ તેને વધુ ઘટાડીને ઓગસ્ટમાં 20 ટકા કરવામાં આવ્યો હતો. હવે સંભવિત બાંગ્લાદેશ-યુએસ કરારમાં આ ટેરિફ ઘટાડીને 15 ટકા કરવામાં આવી શકે છે.

લોકોને ડીલની શરતોની જાણ નહીં થાય:

આ ઉપરાંત 2025 ના મધ્યમાં બાંગ્લાદેશ વચગાળાની સરકારે યુએસ સાથે કરેલી એક નોન-ડિસ્ક્લોઝર ડીલ વિવાદ હેઠળ છે. આ ડીલ હેઠળ નક્કી કરવામાં આવ્યું હતું કે ટેરિફ અને વેપાર વાટાઘાટોને લગતી તમામ બાબતો ગુપ્ત રાખવામાં આવશે. કરારનો કોઈ ડ્રાફ્ટ જાહેરમાં રજુ કરવામાં આવશે નહીં. જેને કારણે બાંગ્લાદેશ સરકારની ટીકા થઇ રહી છે.

ડીલમાં સમય અંગે શંકાઓ:

ચૂંટણીના માત્ર થોડા દિવસો પહેલા જ આ વેપાર કરાર કરવામાં આવી રહ્યો હોવાથી ઘણી શંકા કુશંકાઓ થઇ રહી છે. કેમ કે ડીલ થયાના થોડા દિવસ બાદ જ વચગાળાની સરકારનો કાર્યકાળ સમાપ્ત થશે, આ કરારનો અમલ કરવાની જવાબદારી નવી ચૂંટાનાર સરકાર પર આવી પડશે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button