પડોશી દેશની જેલમાંથી 2700 કેદી થયા ફરાર: જેલ ઑથોરિટીની બેદરકારી પર સવાલ…

ઢાકા: બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તનની સાથોસાથ ત્યાંની જેલમાં મોટી ઘટના બની હતી. ગયા વર્ષે જુલાઈ મહિનામાં થયેલા દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો અને હિંસા દરમિયાન દેશની જેલોમાંથી 2,700થી વધુ કેદીઓ ભાગી ગયા હતા.
આમાંથી લગભગ 700 કેદીઓ હજુ સુધી પકડાયા નથી. આ ઘટનાએ બાંગ્લાદેશની જેલ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ખૂબ જ ખતરનાક ગુનેગારો ભાગી ગયા
બાંગ્લાદેશના ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પ્રિઝન (IG પ્રિઝન) બ્રિગેડિયર જનરલ સૈયદ મુતહર હુસૈને જણાવ્યું કે, ભાગી ગયેલા કેદીઓમાં કેટલાક ખૂબ જ ખતરનાક ગુનેગારોનો સમાવેશ થાય છે, જેમાં મૃત્યુદંડની સજા પામેલા ગુનેગારો અને ઇસ્લામિક આતંકવાદીઓ પણ સામેલ છે.

આશરે 700 ભાગી ગયેલા કેદીઓમાંથી, ઓછામાં ઓછા નવ ઇસ્લામિક આતંકવાદીઓ છે, અને 69 ગુનેગારો એવા છે જેમને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સલાહકાર જહાંગીર આલમ ચૌધરીએ પણ આ આંકડાઓની પુષ્ટિ કરી હતી.

કેટલાક કેદીઓ સ્વેચ્છાએ પાછા ફર્યા
આ ઘટના ગયા વર્ષે જુલાઈમાં તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ શરૂ થયેલા વ્યાપક વિરોધ અને હિંસા દરમિયાન બની હતી. આ રાજકીય અસ્થિરતા અને અંધાધૂંધીનો લાભ લઈને હજારો કેદીઓ જેલમાંથી ભાગી ગયા હતા.
જેલ વિભાગનો દાવો છે કે, કેટલાક કેદીઓ સ્વેચ્છાએ પાછા ફર્યા હતા. કારણ કે તેમની સજા લગભગ પૂર્ણ થઈ ગઈ હતી, તેઓ ભાગી જવાના ગુનાને કારણે તેમની સજા લંબાવવા માંગતા નહોતા.
બાંગ્લાદેશની જેલમાં થયો સુધારો
આ ગંભીર ઘટના બાદ, બાંગ્લાદેશની વચગાળાની સરકારે જેલ સુધારણા તરફ પગલાં ભરવાનું શરૂ કર્યું છે. બ્રિગેડિયર હુસૈનના જણાવ્યા અનુસાર, જેલોને હવે “સુધારણા કેન્દ્રો” કહેવામાં આવશે. તેમજ, “જેલ વિભાગ”નું નામ બદલીને “સુધારણા સેવાઓ બાંગ્લાદેશ” રાખવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ સુધારણા પ્રક્રિયા હેઠળ, જેલોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત CCTV કેમેરા, સુરક્ષા કર્મચારીઓ માટે બોડી કેમેરા, અને જેલ પરિસરની આસપાસ સુરક્ષા વધારવા જેવી જોગવાઈઓ કરવામાં આવી રહી છે. આ પગલાંનો હેતુ જેલની દેખરેખ પ્રણાલીને મજબૂત બનાવવાનો છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.
આ પણ વાંચો…આઠ વર્ષ બાદ પણ રોહિંગ્યાઓને વતન જવાની આશા: બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન