બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતના પ્રવાસે: નરેન્દ્ર મોદીને આપ્યું બાંગ્લાદેશ આવવાનું નિમંત્રણ

નવી દિલ્હી: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના(Bangladesh PM Shekh Hasina) ભારતના પ્રવાસે છે, તેઓ આજ દિલ્હી પહોંચ્યા હતા અને નરેન્દ્ર મોદી (Narendra Modi) સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સેનાના આધુનિકીકરણ, આતંકવાદ અને કટ્ટરવાદ પર ચર્ચા કરી હતી. આ બાદ બંને નેતાઓએ સયુંકત નિવેદન આપ્યું હતું અને શેખ હસીનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશ મુલાકાતનું નિમંત્રણ આપ્યું હતું.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં સતત પાંચમી વખત શેખ હસીના શા માટે સત્તામાં આવ્યા?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરક્ષણાત્મક સબંધોને મજબૂત કરવા અને મજબૂત કરવા માટે અમે સંરક્ષણ ઉત્પાદનોથી લઈને સેનાના આધુનિકીકરણની વિસ્તૃત ચર્ચાઓ કરી છે. અમે આતંકવાદ, કટ્ટરવાદ અને સરહદના શાંતિપૂર્ણ વ્યવસ્થાપન પર આપણી સહભાગીતાને વધારે દ્રઢ કરવાનો નિશ્ચય કર્યો છે. હિન્દ મહાસાગરના ક્ષેત્રો માટે અમારો દ્રષ્ટિકોણ સમાન છે અને હિન્દ-પ્રશાંત મહાસાગર પહેલમાં જોડાવાના બાંગ્લાદેશના નિર્ણયને આવકારીએ છીએ. અમે બીમસેક્ટ સહિત અન્ય ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મંચો પર પોતાનો સહયોગ યથાવત રાખી રાખીશું.
શેખ હસીનાએ કહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશના સબંધો સતત વિકસતા રહ્યા છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને બંને દેશની વચ્ચે સહભાગીદારી પર ચર્ચા કરવામાં આવી. આ દરમિયાન જ શેખ હસીનાએ કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશોના મૈત્રીપૂર્ણ સબંધોને વધુ મજબૂત બનાવવા માટે બાંગ્લાદેશ આવવાનું નિમંત્રણ આપું છું. તેમણે નરેન્દ્ર મોદીને કહ્યું કે આવો અને બાંગ્લાદેશ જુઓ, અમે કેટલું કરી બતાવ્યું છે.
આ પણ વાંચો: ટાઈમ મેગેઝીનના કવર પર બાંગ્લાદેશના પીએમ શેખ હસીના, સરમુખત્યારશાહીના આરોપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજની મુલાકાત ઘણી વિશેષ છે. કારણ કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના અમારા ત્રીજા કાર્યકાળના પ્રથમ રાજકીય મહેમાન બન્યા છે. શેખ હસીનાએ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશની 12મી સંસદીય ચૂંટણી અને જાન્યુઆરી 2024માં અમારી નવી સરકાર બન્યા બાદની કોઈ અન્ય દેશ સાથે થયેલી પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. ભારત અમારું મુખ્ય પાડોશી રાષ્ટ્ર, વિશ્વાસુ મિત્ર અને ક્ષેત્રીય ભાગીદાર રહ્યું છે. શેખ હસીનાએ કહ્યું હતું કે હું આજે ભારતના એ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપું છે કે જેઓએ 1971 ના અમારા મુક્તિસંગ્રામમાં પોતાના પ્રાણની આહુતિ આપી હતી.