બાંગ્લાદેશ હવે 3000 ટન માછલીઓ મોકલીને ભારતને ખુશ કરશે; સરકારે કરી જાહેરાત…

નવી દિલ્હી: ભારે રાજકીય ઉથલપાથલ બાદ હવે બાંગ્લાદેશમાં ધીરે ધીરે શાંતિ સ્થપાઈ રહી છે. ત્યારે હવે દુર્ગા પૂજા પહેલા બાંગ્લાદેશ ભારતીયોને ખાસ ભેટ આપવા જઈ રહ્યું છે. ઘણા લાંબા વિલંબ બાદ બાંગ્લાદેશે ભારતને ત્રણ હજાર ટન હિલ્સા માછલી મોકલવાની જાહેરાત કરી છે. આજે શનિવારે બાંગ્લાદેશ સરકારના વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા એક નોટિફિકેશન આ માહિતી આપવામાં આવી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ક્યારે છે સર્વ પિતૃ અમાવસ્યા, પૂર્વજોના શ્રાદ્ધ કરવાનો સમય અને મહત્વ જાણો
જો કે દરવર્ષે પરંપરા ચાલી આવતી રહી છે કે બાંગ્લાદેશ ભારતમાં હિલ્સા માછલી મોકલે છે, પરંતુ યુનુસ સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. જાણકારોનું માનવું છે કે જો આ વખતે ભારતમાં હિલ્સા માછલી મોકલવામાં ન આવી હોત તો તેની અસર બંને દેશોના સંબંધો પર પડી શકે છે. આ પહેલા બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટપણે કહ્યું હતું કે તે આ વખતે દુર્ગા પૂજા દરમિયાન ભારતમાં હિલ્સા માછલી નહીં મોકલે. પરંતુ હવે છેલ્લી ઘડીએ સમજણ આવતા નિર્ણય બદલી નાખ્યો હતો.
થોડા દિવસો પહેલા જ પ્રોફેસર મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની બાંગ્લાદેશ સરકારે સ્થાનિક માંગને પહોંચી વળવા ભારતમાં હિલ્સાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેનાથી બાંગ્લાદેશ દ્વારા તેના પાડોશી રાષ્ટ્રના સદભાવનાના સંકેત તરીકે લાંબા સમયથી ચાલતી પરંપરાનો અંત આવ્યો હતો. વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “નિકાસકારોની અપીલને ધ્યાનમાં રાખીને, આગામી દુર્ગા પૂજાના અવસર પર ચોક્કસ શરતોને આધીન 3,000 ટન હિલ્સા માછલીની ભારતમાં નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.”
બાંગ્લાદેશમાં અશાંતિ અને સરકારના પરિવર્તનને કારણે આ વર્ષે હિલ્સા માછલીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને લઈને ફિશ ઈમ્પોર્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશના વિદેશી બાબતોના સલાહકાર તૌહીદ હુસૈનને દુર્ગા પૂજા દરમિયાન ભારતમાં હિલ્સા માછલીની નિકાસની મંજૂરી આપવાની વિનંતી કરી હતી.