
નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં હિંસા સતત વધી રહી છે. વિદ્રોહીઓ બાંગ્લાદેશમાં ભારતનો વિરોધ કરીને પ્રદર્શન કરી રહ્યાં છે. વધી રહેલી હિંસા મામલે હવે દિલ્હીથી એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. મળતી વિગતો પ્રમાણે દિલ્હીમાં આવેલા બાંગ્લાદેશના હાઈ કમિશનની ઓફિસ આગળ એક નોટિસ લાગેલી જોવા મળી છે. આ નોટિસમાં બધી કોન્સ્યુલર અને વિઝા સેવાઓ બંધ કરી દેવામાં આવી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ થઈ રહી છે. થોડા દિવસ પહેલા જ એક હિંદુ યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ એક 7 વર્ષની બાળકીને પણ જીવતી સળગાવી દેવામાં આવી હતી. જેથી હવે ભારત પણ આકરા પાણીએ થયું છે.
કોન્સ્યુલર અને વિઝા સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી
વિગતે વાત કરવામાં આવે તો, દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશન આગળ નોટિસ મારવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, કેટલાક જરૂરી કારણોસર, નવી દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશનમાં દરેક પ્રકારની કોન્સ્યુલર અને વિઝા સેવાઓ આગામી નવો આદેશ આવે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે. આ પહેલા ભારતે બાંગ્લાદેશના દક્ષિણપૂર્વ બંદર શહેર ચિત્તાગોંગમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રમાં વિઝા સેવાઓ આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી હતી.
ઉસ્માન હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળી
બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીની હત્યા બાદ સ્થિતિ વધારે ઉગ્ર બની છે. આખા બાંગ્લાદેશમાં અત્યારે હિંસા ફાટી નીકળી છે. આ હિંસાનો બાંગ્લાદેશની વચગાળાની સરકાર ફાયદો ઉઠાવી રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યાં છે. બાંગ્લાદેશ પોલીસે ઉસ્માન હાદીની હત્યા મામલે કહ્યું કે, તેમની પાસે હત્યારા માટે તેમની પાસે કોઈ જાણકારી અત્યારે નથી. પોલીસ અત્યારે હાદીના હત્યારા ફૈસલ કરીમ મસૂદને શોધવાના કામે લાગી ગઈ છે. પરંતુ બાંગ્લાદેશીઓ હાદીની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનું માને છે. જેના કારણે આ હિંસા વધારે ઉગ્ર બની છે.
બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામી કટ્ટરપંથીઓ હિંસા ફેલાવી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાદીની હત્યા બાદ બાંગ્લાદેશમાં જમાત-એ-ઇસ્લામી કટ્ટરપંથીઓ હિંસા ફેલાવી રહ્યાં છે. આ લોકો હિંદુઓને ટાર્ગેટ કરીને હુમલો કરી રહ્યાં છે. બાંગ્લાદેશના પશ્ચિમી જિલ્લામાં ઝેનૈદાહમાંમાં આ કટ્ટરપંથીઓએ ગોવિંદ બિશ્વાસ નામના એક વ્યક્તિને તેના હાથમાં પવિત્ર દોરો જોયા બાદ નિશાન બનાવ્યો અને માર માર્યો હતો. આ પહેલા પણ દીપુ ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી હતી. જો કે, હવે આ અત્યાચાર મામલે હિંદુઓ પણ એક થઈને સુરક્ષા માટે માંગણી કરી રહ્યાં છે. હિંદુઓએ સરકાર પર પણ અનેક આક્ષેપો કર્યાં છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર હિંદુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ હોવાનો પણ ત્યાના હિંદુઓ આરોપ લગાવી રહ્યાં છે.
આ પણ વાંચો…‘યુનુસ સરકારે આતંકવાદીઓને છૂટા મૂક્યા!’ બાંગ્લાદેશ હિંસા અંગે શેખ હસીનાનું નિવેદન



