શું શેખ હસીના બાંગ્લાદેશ પાછા જશે? એક ઇન્ટરવ્યૂમાં જણાવી પોતાના ઇચ્છા…

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના હાલ દિલ્હી સ્થિત ગુપ્ત સ્થળે નિવાસ કરી રહી છે. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ તેઓ દેશમાં પાછા જઈ શક્યા નથી. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના મનની વાત જાહેર કરી છે કે તેઓ પોતાના વતન બાંગ્લાદેશ પરત ફરવા ઇચ્છે છે, પરંતુ તેની એક સ્પષ્ટ શરત છે.
જો એ શરતને માનવામાં આવે તો તેઓ ફરી પાછા બાંગ્લાદેશમાં જશે. તેમના કહ્યા પ્રમાણે બાંગ્લાદેશમાં લોકશાહી અને સ્વતંત્ર ચૂંટણી વ્યવસ્થા પુનઃસ્થાપિત થાય તો ફરી પાછા જવાનો વિચાર કરી શકે છે.
અવામી લીગ પર પ્રતિબંધ અંગે ગંભીર આરોપો લગાવ્યાં
શેખ હસીનાએ પોતાના દેશમાં ચાલી રહેલી અસ્થિરતા, ઉગ્રવાદી-સમર્થિત શાસન અને પોતાના પક્ષ, અવામી લીગ પર પ્રતિબંધ અંગે ગંભીર આરોપો લગાવ્યા છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશના ચાર વખતના વડા પ્રધાન શેખ હસીનાને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ દિલ્હીમાં રહેવાની ફરજ પડી હતી. તેમણે દાવો કર્યો હતો કે અવામી લીગ વિના તેમના દેશમાં નિષ્પક્ષ ચૂંટણીઓ અશક્ય છે. જેના કારણે બાંગ્લાદેશની સ્થિતિ પણ ખરાબ ચાલી રહી છે.
વધુમાં શેખ હસીનાએ કહ્યું કે, આવામી લીગને ચૂંટણીમાંથી બહાર કરવી એ બાંગ્લાદેશની લાખો જનતાના લોકશાહી અધિકારો છીનવી લેવાનો પ્રયાસ છે. એવી પાર્ટી જેને જનતાએ નવ વખત ચૂંટેલી છે, તેને ચૂંટણીમાં ભાગ લેવા ન દેવું બંધારણીય ન્યાયની વિરુદ્ધ બાબત છે. વધુમાં ઉમેર્યું કે દેશના હિત માટે આવામી લીગ પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવામાં આવવો જોઈએ.
વચગાળાની સરકારે બાંગ્લાદેશની સ્થિતિ બગાડી હોવાનો આરોપ
બાંગ્લાદેશમાં અત્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ ચાલી રહી છે. વચગાળાની સરકારે બાંગ્લાદેશની સ્થિતિને સરખી રીતે સંભાળી શકી નથી. તેના માટે શેખ હસીનાએ કહ્યું કે, ‘મારી માતૃભૂમિ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા અતૂટ છે, અને મેં બાંગ્લાદેશને સુધારવા માટે મારું જીવન સમર્પિત કર્યું છે.
તે પ્રતિબદ્ધતા આજે પણ એટલી જ મજબૂત છે. મારા પાછા ફરવાની એકમાત્ર શરત લોકશાહીની પુનઃસ્થાપના, ન્યાયી અને સમાવિષ્ટ ચૂંટણીઓ અને આવામી લીગનો ફરીથી સમાવેશ છે. શેખ હસીનાએ અંતમાં સ્પષ્ટ કર્યું કે તેમને સત્તાની કોઈ લાલસા નથી, તેમનું ધ્યેય માત્ર નાગરિકોને તેમના મૂળભૂત અધિકારો, રાજકીય તેમજ ધાર્મિક સ્વતંત્રતાને પાછી અપાવવાનું છે.
આ પણ વાંચો…શેખ હસીનાએ તોડ્યું મૌન, બાંગ્લાદેશના ભાવિ અને લોકશાહી પર ઠાલવ્યો બાળપો…



