બાંગ્લાદેશમાં પ્લેન ક્રેશઃ 16 વિદ્યાર્થી સહિત ૧૯નાં મોત, મૃત્યુઆંક વધવાની શંકા…

ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આજે બપોરે એક શાળાની ઈમારત પર એક ફાયટર જેટ ક્રેશ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં ૧૯ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેમાં ૧૬ વિદ્યાર્થી, 2 શિક્ષક અને પાઇલટનો પણ સમાવેશ થાય છે. મીડિયા અહેવાલ અનુસાર ક્રેશમાં મૃત્યુ પામેલા પાઇલટની ઓળખ ફ્લાઈટ લેફ્ટનન્ટ મોહમ્મદ તૌકીર ઇસ્લામ તરીકે કરી છે. દુર્ઘટના સમયે તે નિયમિત તાલીમ ઉડાન પર હતો અને આ દુર્ઘટનામાં ૧૬૦ લોકો ઘાયલ થયા છે.
ચીની બનાવટનું ફાઇટર જેટ હતું
દુર્ઘટનાગ્રસ્ત વિમાન F-7BGI હતું અને જે ચીનના J-7નું એડવાન્સ વર્ઝન છે, જે બાંગ્લાદેશ એરફોર્સમાં સામેલ ૧૬ વિમાનો પૈકીનું એક હતું. દુર્ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ઢાકા વિમાન દુર્ઘટના અત્યાર સુધીના અહેવાલો અનુસાર ૧૯ લોકોના મોત થયા છે. જો કે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધે તેવી શંકા છે, કારણ કે વિવિધ સત્તાવાર સ્ત્રોતો મૃતકો અને ઘાયલોની સંખ્યા અંગે અલગ અલગ આંકડા મળ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘણા લોકોએ પોતાની નજર સમક્ષ વિમાનને ઇમારત સાથે અથડાતું જોયું.
બપોરે એક વાગ્યે ભરી હતી ઉડાન
બાંગ્લાદેશ વાયુસેના દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે F-7 BGI ટ્રેનીંગ વિમાને બપોરે 1:06 વાગ્યે ઉડાન ભરી હતી અને ઉત્તરા વિસ્તારમાં દુર્ઘટનાગ્ર્સ્ત થયું હતું. દેશની ફાયર સર્વિસે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે નવ ફાયર યુનિટ અને છ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી.
પીડિતોને તમામ પ્રકારની સહાય કરાશે
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે કહ્યું હતું કે દુર્ઘટનાની તપાસ માટે જરૂરી પગલાઓ ઉઠાવવામાં આવશે અને તમામ પ્રકારની સહાય સુનિશ્ચિત કરાવવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું, “આ રાષ્ટ્ર માટે એક ઊંડા આઘાતની પળ છે. હું ઇજાગ્રસ્તોના જલ્દીથી સ્વસ્થ થવાની કામના કરું છું અને તમામ સબંધિત એજન્સીઓને સ્થિતિને અત્યંત પ્રાથમિકતાથી સંભાળવાનો નિર્દેશ આપું છું.